એક જ અઠવાડિયામાં ઝાડા-ઉલટીના 476 કેસ, કમળાના 37 અને ટાઇફોઇડના 26 કેસ સામે આવ્યા
રાજકોટ શહેરમાં દૂષિત પાણીની સતત વધી રહેલી ફરિયાદો વચ્ચે હવે પાણીજન્ય રોગચાળાએ પણ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક દિવસોથી વધી રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના આંકડા પણ ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરી રહ્યા છે. દૂષિત પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે અનેક વિસ્તારોમાં સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન પણ શરૂ કરી દીધા છે.
- Advertisement -
મહાનગરપાલિકાના નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા એક અઠવાડિયામાં જ ઝાડા-ઉલટીના 476 કેસ નોંધાયા છે. જ્યારે ચાલુ વર્ષ દરમિયાન 1 જાન્યુઆરીથી 31 જુલાઈ સુધીમાં ઝાડા-ઉલટીના કુલ 8,459 કેસ નોંધાતા શહેરમાં પાણીજન્ય રોગચાળાની સ્થિતિ ગંભીર બની હોવાનું સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત કમળા (જૉન્ડિસ)ના 37 કેસ અને ટાઇફોઇડના 26 કેસ પણ નોંધાયા છે. આરોગ્ય નિષ્ણાતોના મતે દૂષિત પાણી, અસ્વચ્છતા અને વરસાદી મોસમ દરમિયાન પાણીની લાઇનમાં ગંદા પાણીના મિશ્રણ જેવી પરિસ્થિતિઓને કારણે આવા રોગોનું પ્રમાણ વધતું હોય છે. સતત વધી રહેલા કેસોને કારણે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.
શહેરના મવડી વિસ્તારમાં દૂષિત પાણીના મુદ્દે સ્થાનિક રહિશોએ વિરોધ નોંધાવ્યો હતો. રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસોથી નળમાં ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે, જેના કારણે અનેક પરિવારોમાં બાળકો અને વૃદ્ધો સહિત લોકો બીમાર પડ્યા છે. અનેક લોકોને ઝાડા-ઉલટી અને તાવ જેવી તકલીફો થતાં સારવાર લેવાની ફરજ પડી રહી છે.
બીજી તરફ ગોકુલધામ આવાસ વિસ્તારમાં પણ પાણીના પ્રશ્ને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. મહિલાઓએ થાળી વગાડી અનોખી રીતે વિરોધ નોંધાવી મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી અને દૂષિત પાણીના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે.
- Advertisement -
રહિશોનો આક્ષેપ છે કે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ અથવા ગટરનું પાણી ભળવાના કારણે પાણી દૂષિત બની રહ્યું છે. આવી સ્થિતિમાં પીવાના પાણીની ગુણવત્તાની નિયમિત તપાસ, લીકેજનું તાત્કાલિક સમારકામ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છ પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.




