રાજકોટ R&B ના નેજા હેઠળ તૈયાર થયેલી બિલ્ડીંગનું કામ નબળી ગુણવતાનું હોવાનો આક્ષેપ
90થી વધુનો સ્ટાફ કામગીરી કરે છે અને રોજ 1000થી વધુ અરજદાર વચ્ચે સલામતી અંગે પણ ઉઠ્યા પ્રશ્નો
- Advertisement -
રાજકોટની નવી આરટીઓનું બિલ્ડીંગ 1 વર્ષ 9 મહિના 18 દિવસમાં 9 કરોડના ખર્ચે તૈયાર થયુ હતું પરંતુ હાલ મોટાભાગની દિવાલોમાં ભેજ અને અનેક જગ્યાએ પોપડા ખરી ગયા છે. સરકારી નાણાંના કરોડો રૂપિયાનો ખર્ચ થયા છતાં બાંધકામની હાલત આવી કેમ થઈ, તે અંગે લોકમુખે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ આરટીઓ બિલ્ડિંગનું બાંધકામ 12 જુલાઈ, 2021ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને 30 એપ્રિલ, 2023ના રોજ પૂર્ણ થયું હતું. આ કામગીરી માટે ૯ કરોડનો ખર્ચ થયો હતો. પરંતુ બિલ્ડિંગ શરૂ થયાના થોડા જ સમયમાં મોટાભાગની દિવાલોમાં ભેજ દેખાવા લાગતાં બાંધકામની ગુણવત્તા અંગે શંકા ઊભી થઈ રહી છે. આ સમગ્ર મામલે હવે આર એન્ડ બી વિભાગની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. જો બાંધકામ દરમિયાન નિયમિત દેખરેખ અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી તો પછી આવી ખામીઓ કેમ સામે આવી? અને જો ખામીઓ મળી હતી તો સંબંધિત એજન્સી સામે કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી કે નહીં? આવા અનેક પ્રશ્નોના જવાબ હજુ સુધી સ્પષ્ટ થયા નથી.
રાજકોટ આરટીઓ કચેરીમાં દરરોજ અંદાજે 700થી 1000 અરજદારો વિવિધ કામગીરી માટે આવે છે. ઉપરાંત 90થી વધુ કર્મચારીઓ અહીં ફરજ બજાવે છે અને બિલ્ડિંગમાં 10થી વધુ વિભાગો કાર્યરત છે. સતત અવરજવર ધરાવતા બિલ્ડીંગમાં બાંધકામની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે. જો આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે, તે પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે.




