5 વર્ષમાં 10 ટકાનો ચિંતાજનક વધારો, સૌથી વધુ મોતમાં ગુજરાત દેશમાં 9માં ક્રમે : દરરોજ સરેરાશ 217 નવા કેન્સરના દર્દીઓ
ગુજરાતમાં કેન્સરના કેસ અને તેનાથી થતાં મૃત્યુના પ્રમાણમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૦%નો ચિંતાજનક વધારો નોંધાયો છે. આંકડાઓ અનુસાર, રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં કેન્સરના ૭૯,૦૦૦ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૪૩,૫૦૦થી વધુ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારની ગંભીર પરિસ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં દરરોજ સરેરાશ ૨૧૭ નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે અને પ્રતિદિન ૧૧૯ લોકો આ ગંભીર બીમારી સામે ઝૂઝતા જીવ ગુમાવી રહ્યા છે. વર્ષ ૨૦૨૧ની સરખામણી કરીએ તો તે સમયે રાજ્યમાં કેન્સરના ૭૧, ૫૦૭ કેસ અને ૩૯,૨૩૮ દર્દીઓના મોત નોંધાયા હતા. તેની સામે વર્ષ ૨૦૨૫ સુધીમાં કેન્સરના કેસ અને તેનાથી થતા મૃત્યુ દર બંનેમાં ૧૦%નો સીધો ઉછાળો આવ્યો છે.
- Advertisement -
દેશભરના આંકડાઓ સાથે સરખામણી કરીએ તો વર્ષ ૨૦૨૫ના ડેટા મુજબ સૌથી વધુ કેન્સરથી મૃત્યુ થતાં હોય તેવા રાજ્યોની યાદીમાં ગુજરાત નવમાં સ્થાને આવે છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ સૌથી મોખરે છે, જયાં સૌથી વધુ ૧.૨૫ લાખ લોકોના કેન્સરના કારણે મોત થયા છે. અમદાવાદની સિવિલ મેડિસિટ સ્થિત કેન્સર હોસ્પિટલના વર્ષ ૨૦૨૫ના નવેમ્બર સુધીના આંકડા દર્શાવે છે કે પુરુષોમાં મોઢાના કેન્સરના સૌથી વધુ ૧,૯૩૧ કેસ નોંધાયા હતા, જે વર્ષ ૨૦૨૧માં ૧,૭૨૬ હતા. બીજી તરફ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. વર્ષ ૨૦૨૧માં બ્રેસ્ટ કેન્સરના ૧,૩૮ કેસ હતા, જે વધીને ૨૦૨૫માં ૧,૪૫૬ પર પહોંચ્યા છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન અમદાવાદની સિવિલ કેન્સર હોસ્પિટલમાં કુલ ૨૬,૮૧૦થી વધુ નવા કેન્સરના દર્દીઓનું રજિસ્ટ્રેશન થયું હતું.




