રાજકોટ RTOમાં રૂ.80 લાખના ખર્ચે બનાવાયેલી આધુનિક સિસ્ટમ સામે અરજદારોનો રોષ
ટેગ અને ગ્રાફ એરર, વરસાદી વાતાવરણમાં ટેકનિકલ ખામીઓના આક્ષેપ
- Advertisement -
સૌથી વધુ મહિલા અરજદાર નાપાસ થતા હોવાનો દાવો
રાજકોટ RTO કચેરીમાં 16 જુલાઈથી શરૂ કરાયેલ AI આધારિત આધુનિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હવે સુવિધા કરતાં વધુ પરેશાનીનું કારણ બની રહ્યો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. અંદાજે રૂ.80 લાખના ખર્ચે નિર્માણ કરાયેલા આ ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા તેમજ RFID (રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન) સેન્સર જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ ટેક્નોલોજી પર સંપૂર્ણ નિર્ભર આ પરીક્ષણ પદ્ધતિ સામે હવે અનેક અરજદારો સવાલો ઉઠાવી રહ્યા છે. દરરોજ અંદાજે 250થી વધુ અરજદારો આ ટ્રેક પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા પહોંચે છે. ઉપલબ્ધ માહિતી મુજબ ટુ-વ્હીલર ટેસ્ટમાં અંદાજે 75 ટકા અરજદારો પાસ થાય છે જ્યારે 25 ટકા નાપાસ થાય છે. પરંતુ ફોર-વ્હીલર ટેસ્ટના પરિણામો ચોંકાવનારા હોવાનું સામે આવ્યું છે. ફોર-વ્હીલરમાં માત્ર 15 ટકા ઉમેદવારો જ સફળ થાય છે જ્યારે આશરે 85 ટકા ઉમેદવારો નાપાસ જાહેર થાય છે. આટલા મોટા પ્રમાણમાં નિષ્ફળતા નોંધાતા સિસ્ટમની વિશ્વસનીયતા અંગે પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે.
પાસ થનારા ઉમેદવારોમાં મોટાભાગે 18થી 30 વર્ષની વયજૂથના યુવાનોનો સમાવેશ થાય છે. જાહેર થયેલા આંકડાઓ અનુસાર નાપાસ થનારા ઉમેદવારોમાં મહિલાઓનું પ્રમાણ સૌથી વધુ હોવાનું સામે આવ્યું છે. નાપાસ થયેલા અનેક અરજદારોનું કહેવું છે કે તેઓની ડ્રાઇવિંગમાં કોઈ ગંભીર ભૂલ ન હોવા છતાં સિસ્ટમમાં ટેગ એરર અને ગ્રાફ એરર દર્શાવી તેમને નાપાસ જાહેર કરવામાં આવે છે. કેટલાક અરજદારોનો એવો પણ દાવો છે કે વરસાદી વાતાવરણ દરમિયાન AI સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરતી નથી અને ટેકનિકલ ખામીઓના કારણે પરીક્ષણના પરિણામો પ્રભાવિત થાય છે. અરજદારોમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે AI સિસ્ટમમાં જો ખરેખર ટેકનિકલ ખામીઓ હોય તો તેનું સ્વતંત્ર ટેકનિકલ ઓડિટ કરાવી જરૂરી સુધારા કરવામાં આવે. સાથે જ પરીક્ષણ દરમિયાન સર્જાતી ટેકનિકલ ભૂલો અંગે ઉમેદવારોને પારદર્શક માહિતી આપવામાં આવે અને જો સિસ્ટમની ભૂલના કારણે ઉમેદવાર નાપાસ જાહેર થયો હોય તો તેને ફરીથી નિઃશુલ્ક પરીક્ષણની તક આપવામાં આવે. AI આધારિત પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત પરીક્ષણની મન્સા સાથે શરૂ કરાયેલી આ વ્યવસ્થા હવે ટેકનિકલ પ્રશ્નો અને વધતા અસંતોષના કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી છે.
- Advertisement -
રાજકોટ RTOમાં ટ્રાન્સફર ઓફ ઓનરશીપની કામગીરીમાં નાના કારણો બતાવી અરજદારોને ધક્કા ખવડાવાતા હોવાના આક્ષેપ
રાજકોટ RTO કચેરીમાં વાહનના ટ્રાન્સફર ઓફ ઓનરશીપ (TO)ની કામગીરીને લઈને અરજદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વાહનની માલિકી બદલવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવી જોઈએ તેવા નિયમો હોવા છતાં, વાસ્તવમાં કામગીરી અત્યંત ધીમી ગતિએ થતી હોવાનો અરજદારો આક્ષેપ કરી રહ્યા છે. પરિણામે રોજબરોજ મોટી સંખ્યામાં લોકો RTO કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. અરજદારોના જણાવ્યા મુજબ ટ્રાન્સફર ઓફ ઓનરશીપ માટે તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા છતાં વિવિધ કારણો દર્શાવી ફાઇલોને આગળ વધારવામાં આવતી નથી. કોઈને કોઈ ટેકનિકલ કે દસ્તાવેજી ખામી બતાવી કામગીરી ટાળવામાં આવતી હોવાનો આક્ષેપ પણ અરજદારો કરી રહ્યા છે. જેના કારણે એક જ કામ માટે અનેક વખત RTO કચેરીના ચક્કર લગાવવાનો વારો આવે છે. ખાસ કરીને આધારકાર્ડ અને RC બુકમાં નોંધાયેલા નામમાં નાની-મોટી વિસંગતતાને આધારે ટ્રાન્સફર ઓફ ઓનરશીપની પ્રક્રિયા અટકાવી દેવામાં આવતી હોવાની ચર્ચા પણ ઉઠી છે. કેટલાક કિસ્સાઓમાં સ્પેલિંગમાં સામાન્ય તફાવત અથવા નામની રજૂઆતમાં ફેરફારને આધારે પણ અરજીઓ અટકાવવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
એક કામ માટે એક ટેબલેથી બીજા ટેબલે ધક્કા : એક જ ધક્કામાં કામ પૂર્ણ થતું ન હોવાની ફરિયાદ
રાજકોટ RTO કચેરીમાં કોઈપણ કામ માટે પહોંચતા અરજદારોને એક ટેબલ પરથી બીજા ટેબલ પર મોકલવામાં આવે છે અને એક જ મુલાકાતમાં કામ પૂર્ણ થતું નથી હોવાની ફરિયાદો વધી રહી છે. કચેરીમાં મોટાભાગનો સ્ટાફ કામ વિના નવરો બેઠો જોવા મળે છે.




