બે દિવસ માટે ચારધામ યાત્રા રોકવામાં આવી
ચોમાસું સૌથી સક્રિય તબક્કામાં પહોંચી ગયું છે. આ સમયે દેશ ઉપર બે સિસ્ટમ સક્રિય છે. બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા આજે ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢમાંથી પસાર થતું આગળ વધી રહ્યું છે. તેની અસરને જોતા IMD એ આગામી ૪-૫ દિવસમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં સામાન્ય કરતાં વધુ અને આગામી ૫-૬ દિવસમાં પૂર્વ ભારતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
- Advertisement -
ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે દેશની સૌથી મોટી ઓટો કંપનીઓમાંથી એક ટાટા મોટર્સ પણ પ્રભાવિત થઈ છે. કંપનીના સાણંદ પ્લાન્ટ અને આસપાસ આવેલા ઘણા સપ્લાયરના યુનિટ પાણી ભરાવાને કારણે બંધ કરવા પડયા છે. આ તરફ. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે તીર્થયાત્રાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. ખરાબ હવામાનને કારણે ચારધામ યાત્રા ૨ દિવસ માટે રોકી દેવામાં આવી છે. ચંપાવત, બાગેશ્વર અને ટિહરીમાં ધોરણ ૧ થી ૧૨ સુધીની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં મંગળવારે ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ થયો. બજારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું. રસ્તાઓ પર વાહનોની લાંબી કતારોને કારણે રાજધાનીની ગતિ ધીમી પડી ગઈ.




