17 દરખાસ્તોમાંથી 16ને લીલીઝંડી : લાખાજીરાજ માર્કેટના રૂ.5.86 કરોડના રિનોવેશન પ્રસ્તાવને ખર્ચ વધુ હોવાથી પુનઃ રજૂ કરવા સૂચના
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન પરેશ પીપળીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં કુલ 17 દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાંની 16 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે એક દરખાસ્તને ખર્ચ વધુ હોવાનું જણાતા જરૂરી ફેરફારો સાથે પુનઃ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. મંજૂર થયેલી દરખાસ્તો હેઠળ શહેરમાં કુલ 107.46 કરોડના નવા વિકાસ કામો હાથ ધરવાનો માર્ગ મોકળો બન્યો છે.
- Advertisement -
બેઠકમાં સૌથી વધુ ચર્ચાનો વિષય વોર્ડ નં. 7માં ધર્મેન્દ્ર રોડ પર આવેલી ઐતિહાસિક સર લાખાજીરાજ માર્કેટના રિનોવેશન માટે કમિશનર દ્વારા રજૂ કરાયેલી 5.86 કરોડની દરખાસ્ત રહી હતી. સ્ટેન્ડિંગ કમિટીએ પ્રાથમિક નિરીક્ષણમાં આ ખર્ચ વધુ હોવાનું માન્યું હતું. તેથી માર્કેટમાં માત્ર જરૂરી અને ફરજિયાત રિનોવેશનના કામોનો જ સમાવેશ કરીને સુધારેલી દરખાસ્ત ફરીથી રજૂ કરવા તંત્રને સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં શહેરના પાણી પુરવઠા અને માર્ગ સુવિધાઓને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. વોર્ડ નં. 8માં કાલાવડ રોડ અને નાનામવા રોડ વચ્ચે બાકી રહેલા વિસ્તારોમાં બે નવી પાઇપલાઇન નાખવા તથા ત્યારબાદ ડામર રોડનું રિસ્ટોરેશન કરવા માટે 62.35 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ કામ પૂર્ણ થતાં વિસ્તારના રહેવાસીઓને પાણી પુરવઠા અને માર્ગ વ્યવસ્થામાં નોંધપાત્ર રાહત મળશે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરના ત્રણેય ઝોનમાં કોટવોલ્સના રિપેરિંગ અને મજબૂતીકરણ માટે 5.24 કરોડના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ કામગીરી વરસાદી નુકસાન અટકાવવા અને સુરક્ષા વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ ઉપરાંત વોર્ડ નં. 9માં હિટેનિંગ વોલના નિર્માણ માટે 4.91 કરોડના વિકાસ કામને લીલીઝંડી આપવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં. 10માં આધુનિક સુવિધાઓથી સજ્જ નવી લાઇબ્રેરીના નિર્માણ માટે 5.43 કરોડના ખર્ચને મંજૂરી અપાઈ હતી, જેનાથી વિદ્યાર્થીઓ અને વાચકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે. વોર્ડ નં. 8ના કેટલાક વિસ્તારોમાં વધારાની પાઇપલાઇન નાખવા તેમજ ડામર રોડ રિસ્ટોરેશનના કોન્ટ્રાક્ટ માટે 21.83 કરોડના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ કામો પૂર્ણ થતાં શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન પરેશ પીપળીયા ઉપરાંત કમિટીના સભ્યો, વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ અને આસિસ્ટન્ટ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મંજૂર થયેલા વિકાસ કાર્યો આગામી સમયમાં તબક્કાવાર અમલમાં મુકવામાં આવશે, જેના પરિણામે શહેરના વિવિધ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓમાં સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.




