મોરબીમાં રાજ્યસ્તરીય ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ રમાઇ રહી છે
જામનગરે વડોદરાને 12-0થી કારમો પરાજય આપ્યો
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના આયોજન હેઠળ મોરબી સ્થિત ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે રમાઈ રહેલી સબ-જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં રાજકોટ જિલ્લાના ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કરતાં સુરત જિલ્લાને 3-0થી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે ટૂર્નામેન્ટની ખિતાબી મેચમાં સૌરાષ્ટ્રની બે મજબૂત ટીમો રાજકોટ અને જામનગર આમને-સામને ટકરાશે. વરસાદી વાતાવરણ વચ્ચે રમાયેલી પ્રથમ સેમી ફાઇનલમાં રાજકોટની ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. રાજકોટ તરફથી યાના પીપળિયાએ બે ગોલ ફટકારી ટીમને મજબૂત લીડ અપાવી હતી, જ્યારે હીર ખંડેડિયાએ એક ગોલ નોંધાવી જીત પર મહોર મારી હતી. સમગ્ર મેચ દરમિયાન રાજકોટના ખેલાડીઓએ બોલ પર ઉત્તમ નિયંત્રણ અને સુમેળભરી રમત દર્શાવી સુરતને કોઈ તક આપી નહોતી. ફુલ-ટાઇમ સુધી રાજકોટે 3-0થી એકતરફી વિજય નોંધાવ્યો. બીજી સેમી ફાઇનલમાં જામનગર જિલ્લાની ટીમે વડોદરા સામે ગોલનો વરસાદ વરસાવ્યો હતો. મેચની શરૂઆતથી જ જામનગરનું સંપૂર્ણ પ્રભુત્વ જોવા મળ્યું હતું. જામનગરની રાષ્ટ્રીય ખેલાડી દયા જાંબુચાએ પાંચ ગોલ ફટકારી અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત ઊર્મિલાબેન ધોરિયા, દીયા પટેલ અને સંજના મેનીયા એ બે-બે ગોલ નોંધાવ્યા હતા, જ્યારે કિંજલ શેખે એક ગોલ કર્યો હતો. પરિણામે જામનગરે વડોદરાને 12-0થી કારમો પરાજય આપી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યસ્તરીય આ ટૂર્નામેન્ટમાં ગુજરાતના કુલ 11 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. તમામ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચીને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રાજકોટ અને જામનગરની ટીમોએ સતત પ્રભાવશાળી દેખાવ કરતાં હવે બંને વચ્ચે રમાનારી ફાઇનલ મેચ પર સૌની નજર મંડાઈ છે.




