80થી વધુ ઠેકાણાને ટાર્ગેટ કર્યા : ઇરાને બહેરીન અને કુવૈતમાં વળતા હુમલા કર્યા
અમેરિકાએ યુદ્ધવિરામ છતાં બુધવારે વહેલી સવારે ઈરાન પર હવાઈ હુમલો કર્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, ૮૦થી વધુ સૈન્ય ઠેકાણાઓને સચોટ હથિયારોથી નિશાન બનાવવામાં આવ્યા હતા. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ત્રણ જહાજો પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. વોશિંગ્ટને આ હુમલાઓ માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે.
- Advertisement -
હવાઈ હુમલામાં એર ડિફેન્સ સિસ્ટમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, દરિયાકાંઠાના રડાર, સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો, એન્ટી-શિપ મિસાઈલ સિસ્ટમ, ડ્રોન લોન્ચ સાઇટ્સ અને IRGCની ૬૦ થી વધુ સૈન્ય બોટને નિશાન બનાવવામાં આવી હતી. ઈરાની મીડિયા અનુસાર, સીરિક, કેશ્મ દ્વીપ અને બંદર અબ્બાસમાં અનેક વિસ્ફોટો થયા અને કેટલીક જગ્યાએ આગ લાગી ગઈ. તેના જવાબમાં, ઈરાની સેનાએ બહેરીન અને કુવૈતમાં અમેરિકી સૈન્ય મથકો પર ૮૫થી વધુ લક્ષ્યોને ટાર્ગેટ કરવાનો દાવો કર્યો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે બુધવારે બહેરીનમાં બીજી વખત એર રેડ સાયરન વગાડવામાં આવ્યા. બહેરીનના ગૃહ મંત્રાલયે તેની પુષ્ટિ કરતા લોકોને શાંત રહેવા અને તરત જ નજીકના સુરક્ષિત સ્થળે જવાની અપીલ કરી છે. અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ ઈરાને જવાબી કાર્યવાહીનો દાવો કર્યો છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું કે તેણે બહેરીન અને કુવૈતમાં ૮૫ અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવતા સંયુક્ત મિસાઈલ અને ડ્રોન ઓપરેશન ચલાવ્યું. IRGC અનુસાર, હુમલાઓમાં બહેરીન સ્થિત અમેરિકી ફિફ્થ ફલીટના મુખ્યાલય અને કુવૈતના અલી અલ-સલેમ એર બેઝને નિશાન બનાવવામાં આવ્યા.
અમેરિકાએ કરારની 5 શરતો તોડી : ઈરાન
ઈરાનના સંસદ સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે અમેરિકા પર કરારની પાંચ શરતો તોડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે અમેરિકા સતત કરારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ગાલિબાફ મુજબ, અમેરિકાએ હોર્મુઝમાં ઈરાનના અધિકારોમાં દખલ કરી, સતત સૈન્ય હુમલાઓની ધમકી આપી, ઈરાની તેલ નિકાસ પર પ્રતિબંધો ફરીથી લાગુ કર્યા, દક્ષિણ ઈરાન પર એરસ્ટ્રાઈક કરી અને લેબનોનમાં ચાલી રહેલી ઈઝરાયલી સૈન્ય કાર્યવાહીને સમર્થન આપ્યું.



