મકાન તોડ્યા બાદ સર્જાયેલી સમસ્યાઓ અંગે કોંગ્રેસ આગેવાનોએ સ્થળ મુલાકાત લીધી
લોકોના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ થાય તે માટે અધિકારીઓને સ્થળ પર બોલાવી તુરંત કાર્યવાહી શરૂ કરાવી
કોંગ્રેસ હંમેશા જનતાની વચ્ચે રહી તેમના પ્રશ્નોને વાચા આપવા માટે સતત કાર્યરત : ડૉ.રાજદીપસિંહ જાડેજા
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. 16ના કોંગ્રેસના કોર્પોરેટરો અર્જુનભાઈ ચૌહાણ, દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરૈયા અને ઈબ્રાહીમભાઈ સોરાએ જંગલેશ્વર વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ સ્થાનિક નાગરિકોની સમસ્યાઓ સાંભળી હતી. જંગલેશ્વર વિસ્તારમાં ગરીબોના મકાનો તોડવાની કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ વિસ્તારમાં ઉભી થયેલી સમસ્યાઓના નિરાકરણ માટે યોગ્ય પગલાં ભરવામાં આવ્યા ન હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. મકાનો તોડવાની કાર્યવાહી બાદ રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા હતા તેમજ વરસાદી પાણીના ભરાવાના કારણે ગંદકી ફેલાઈ રહી હતી. જેના પરિણામે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ લોકોમાં જોવા મળી રહી હતી.
સ્થળ મુલાકાત દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ કોંગ્રેસના આગેવાનો સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. લોકોની રજૂઆતોને ગંભીરતાથી લઈ વોર્ડના કોંગ્રેસી કોર્પોરેટરોએ સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને બોલાવી તાત્કાલિક કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. કોંગ્રેસના આગેવાનોના હસ્તક્ષેપ બાદ કલાકોની અંદર જ રસ્તાઓના સમારકામ સહિતની જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના કારણે લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહેલા સ્થાનિક રહેવાસીઓમાં રાહતની લાગણી પ્રસરી હતી. આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશા સામાન્ય જનતાની વચ્ચે રહી તેમના પ્રશ્નોને વાચા આપવા અને તેના ઉકેલ માટે સતત કાર્યરત રહ્યો છે. લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કોંગ્રેસના કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દિવસ-રાત લોકોની વચ્ચે રહી સેવા આપતા રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરના કેટલાક વિસ્તારોમાં ચૂંટણી જીત્યા બાદ ભાજપના કોર્પોરેટરો લોકોની વચ્ચે જોવા પણ મળતા નથી, જ્યારે કોંગ્રેસ પક્ષ લોકોના સુખ-દુઃખમાં સતત તેમની સાથે ઉભો રહી જનસેવાનું કાર્ય કરી રહ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં થયેલી આ તાત્કાલિક કામગીરીને સ્થાનિકોએ આવકારી હતી અને લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે કોંગ્રેસના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.




