શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે રાજકોટમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
શહેર ભાજપ આગેવાનો દ્વારા આર્ટ ગેલેરી ખાતે પ્રતિમાને ફુલહાર અર્પણ કરી રાષ્ટ્રભાવનાને વંદન
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે શહેર ભાજપ દ્વારા રેસકોર્સ ખાતે આવેલી આર્ટ ગેલેરીમાં તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડૉ. મુખર્જીના રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડ ભારતના તેમના વિચારોને યાદ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્ર નિર્માણમાં રહેલા મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરતાં તેમની રાષ્ટ્રભાવના અને દેશપ્રેમને વંદન કર્યું હતું. સાથે જ તેમના જીવનમૂલ્યો અને દેશની એકતા-અખંડિતતા માટે કરેલા સંઘર્ષને આજની પેઢી માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા, શહેર ભાજપના મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ડૉ. મુખર્જીના વિચારોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા અને રાષ્ટ્રહિતના કાર્યો માટે સતત પ્રેરિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું આયોજન શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રસેવાની ભાવના જોવા મળી હતી.




