ડૉ. દેવજીસાંખટ(એડવોકેટ) : ઓર્ડર-ઓર્ડર
ખાનગી કંપનીઓ માટે જમીન લેતી વખતે ઓછામાં ઓછા 70થી 80 % અસરગ્રસ્ત પરિવારોની લેખિત સંમતિ અનિવાર્ય
- Advertisement -
ભારતમાં અને વિશેષ કરીને ગુજરાતમાં જમીન સંપાદનની પ્રક્રિયા એ ખેડૂતોના આજીવિકાના અધિકાર અને દેશના આર્થિક-માળખાકીય વિકાસ વચ્ચે સંતુલન જાળવતો અત્યંત સંવેદનશીલ અને જટિલ કાનૂની વિષય છે.બ્રિટિશ કાળના ક્રૂર અને શોષણયુક્ત “જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪” (Land Acquisition Act, 1894) ને રદ કરીને કેન્દ્ર સરકાર દ્વારા “ભૂમિ સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસન સનદમાં ઉચિત વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ, ૨૦૧૩” (The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013 – RFCTLARR Act, 2013) અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદો ૧ જાન્યુઆરી, ૨૦૧૪થી દેશભરમાં લાગુ છે.
જમીન સંપાદનની બંધારણીય જોગવાઈઓ
ભારતીય બંધારણમાં મિલકતનો અધિકાર એ શરૂઆતમાં મૂળભૂત અધિકાર હતો. પરંતુ બંધારણના ૪૪મા સુધારા (૧૯૭૮) દ્વારા મિલકતના અધિકારને ભાગ-૩ માંથી હટાવીને આર્ટીકલ ૩૦૦-એ હેઠળ “કોઈપણ વ્યક્તિને કાયદાની સત્તા અથવા યોગ્ય પ્રક્રિયા વિના તેની મિલકતથી વંચિત કરી શકાશે નહીં.” તેમ માત્ર એક કાનૂની અધિકાર તરીકે સીમિત કરવામાં આવ્યો.સરકાર પાસે ‘એમિનન્ટ ડોમેન’નો સાર્વભૌમ અધિકાર છે, જેના અંતર્ગત તે જાહેર હેતુ માટે વળતર આપીને કોઈપણ ખાનગી જમીન સંપાદિત કરી શકે છે. પરંતુ ૨૦૧૩ના નવા કાયદાએ આ સત્તા પર પૂરતી પારદર્શિતા અને ખેડૂત હિત રક્ષણના કાનૂની અંકુશો મૂક્યા છે.
જમીન સંપાદન માટે જાહેર હેતુઓ
રાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષણ અને લશ્કરી હેતુઓ માટે સંપાદન.
રેલવે, હાઈવે, બંદરો, એરપોર્ટ અને સરકારી પરિવહન માળખું.
સિંચાઈ યોજનાઓ, કેનાલ, ડેમ અને હાઈડ્રો-પાવર પ્રોજેક્ટ્સ.
સરકારી આવાસ યોજનાઓ અને ગરીબો માટે પુનર્વસન વસાહતો.
જાહેર જનતા માટે હોસ્પિટલો, શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ.
જાહેર-ખાનગી ભાગીદારી જ્યાં માલિકી સરકાર હસ્તક જ હોય.
- Advertisement -
જમીન માલિકોના મુખ્ય અધિકારો
સંમતિનો અધિકાર : જો સરકાર ખાનગી કંપનીઓ માટે પ્રોજેક્ટ માટે જમીન લેતી હોય, તો ખેડૂતોની પૂર્વ સંમતિ અનિવાર્ય છે જેમાં અસરગ્રસ્ત કુટુંબોના ઓછામાં ઓછા ૭૦ થી ૮૦% લોકોની લેખિત સંમતિ જરૂરી છે.સરકારી જાહેર ક્ષેત્રના પોતાના શુદ્ધ સરકારી પ્રોજેક્ટ્સ માટે આ સંમતિ કલમ લાગુ પડતી નથી.
સામાજિક અસરનું મૂલ્યાંકન : કોઈપણ જમીન સંપાદન કરતા પહેલાં સરકારે નિષ્ણાતોની સમિતિ દ્વારા સામાજિક અસરનું મૂલ્યાંકન કરાવવું પડે છે.ખેડૂતોને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો અને જાહેર સુનાવણી દરમિયાન પોતાના વાંધા રજૂ કરવાનો કાનૂની અધિકાર છે.અહેવાલમાં સાબિત થાય કે પ્રોજેક્ટથી થતા નુકસાન કરતાં જાહેર હિત ઓછું છે, તો સંપાદન રદ થઈ શકે છે.
બહુ-પાક જમીનનું રક્ષણ : ખેડૂતોની ફળદ્રુપ અને બારમાસી સિંચાઈવાળી જમીન બચાવવા માટે કાયદામાં વિશેષ જોગવાઈ છે. આવી જમીન માત્ર અપવાદરૂપ સંજોગોમાં અને સરકારે નક્કી કરેલી ચોક્કસ ટકાવારીની મર્યાદામાં જ સંપાદિત કરી શકાય છે.
સંપાદનના તબક્કાવાર કાનૂની પગલાં
પ્રારંભિક જાહેરનામું (કલમ ૧૧) : સરકાર જમીન સંપાદન કરવાના પોતાના ઇરાદા અંગે સત્તાવાર ગેઝેટ, બે સ્થાનિક અખબારો અને ગ્રામ પંચાયતની કચેરીમાં ગુજરાતી ભાષામાં જાહેરનામું બહાર પાડશે.
વાંધા સાંભળવા (કલમ ૧૫) : જાહેરનામું પ્રસિદ્ધ થયાના ૬૦ દિવસની અંદર કોઈપણ ખેડૂત જમીન સંપાદન સામે કલેક્ટર સમક્ષ લેખિત વાંધા (Objections) ઉઠાવી શકે છે. કલેક્ટરે ખેડૂતને વ્યક્તિગત સાંભળવા પડે છે.
આખરી જાહેરાત (કલમ ૧૯) : વાંધાઓના નિકાલ અને R&R યોજનાની મંજૂરી બાદ સરકાર આખરી સંપાદન જાહેરાત કરે છે.
એવોર્ડ (ચુકાદો) જાહેર કરવો (કલમ ૨૩ અને ૨૫) : પ્રારંભિક જાહેરનામાના ૧૨ મહિનાની અંદર જમીન સંપાદન અધિકારીએ વળતરનો આખરી ચુકાદો જાહેર કરવો પડે છે. જો ૧૨ મહિનામાં એવોર્ડ ન થાય, તો સમગ્ર સંપાદન આપોઆપ રદ થઈ જાય છે.
ગુજરાત જમીન સંપાદન સુધારા અધિનિયમ-૨૦૧૬
કેન્દ્રના ૨૦૧૩ના કાયદાની કલમ ૧૦૭ સરકારને રાજ્ય સ્તરે સુધારા કરવાની સત્તા આપે છે. જે અન્વયે ગુજરાત સરકારે ૨૦૧૬માં સુધારા કાયદો પસાર કર્યો હતોગુજરાત સરકારે જાહેર આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ,ઘડતર રેલવે, હાઈવે, સસ્તા આવાસો, સંરક્ષણ પ્રોજેક્ટ્સ) માટે સામાજિક અસર મૂલ્યાંકન (SIA) ની પ્રક્રિયામાંથી મુક્તિ આપી છે જેથી પ્રોજેક્ટ્સ ઝડપી બને. પરંતુ વળતર, સોલેશિયમ અને પુનર્વસનના તમામ આર્થિક લાભો જે કેન્દ્રના કાયદામાં છે તે ગુજરાતના ખેડૂતોને પણ પૂરેપૂરા મળવાપાત્ર છે.
જમીન અંગે કાનૂની વિવાદ
જો સરકારે ખેડૂત પાસેથી જમીન સંપાદિત કરી લીધી હોય, પરંતુ સંપાદનની તારીખથી ૫ વર્ષ સુધી તે જમીન પર કોઈ કામ શરૂ ન કરવામાં આવે અથવા પ્રોજેક્ટ બિનઉપયોગી રહે, તો તે જમીન મૂળ માલિક (ખેડૂત) ને અથવા સ્ટેટ લેન્ડ બેંકને પરત કરવાની કાયદાકીય જોગવાઈ છે.જો કોઈ ખેડૂત વળતરની રકમથી અસંતુષ્ટ હોય અથવા તેની જમીનનું ખોટું મૂલ્યાંકન થયું હોય, તો તે સિવિલ કોર્ટમાં જઈ શકતો નથી. કાયદાની કલમ ૫૧ હેઠળ “જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસન સત્તામંડળ”ની સ્થાપના કરવામાં આવી છે. જે ભૂમિ દેશનું પેટ ભરે છે, તે ભૂમિનો માલિક ક્યારેય કાયદાની નજરમાં લાચાર ન હોઈ શકે; પ્રગતિના વ્હીલ નીચે કદી ખેડૂતનું હિત કચડાવું ન જોઈએ.જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસન અધિનિયમ, ૨૦૧૩ (RFCTLARR Act, 2013) એ માત્ર જમીન સંપાદન કરવાનો સરકારી દસ્તાવેજ નથી, પરંતુ તે ભારતીય ખેડૂતોના આજીવિકાના અધિકાર અને સન્માનપૂર્વક જીવવાના બંધારણીય અધિકારનું રક્ષણ કરતું એક મજબૂત કાનૂની કવચ છે.જ્યારે કોઈ રાષ્ટ્ર આધુનિકતા તરફ પ્રયાણ કરે છે ત્યારે તેના અન્નની સુરક્ષા અને ખેડૂતની આર્થિક સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ, કારણ કે ખેડૂત સમૃદ્ધ હશે તો જ દેશ આત્મનિર્ભર બનશે.
કોર્ટ કેસમાં ફ્રી કાનૂની માર્ગદર્શન માટે 9662633144 નંબર પર વોટ્સએપ કરી સંપર્ક કરી શકો છો, સામાજિક ઉત્તરદાયિત્વનાં ભાગ તરીકે આપને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે.



