ગુવાહાટીમાં રૂ.54 કરોડનું 38 કિલો સોનું જપ્ત, ઈન્ટરનેશનલ સ્મગલિંગ નેટવર્ક સાથે કનેક્શન હોવાની આશંકા
આસામ પોલીસે ગુવાહાટીમાં એક શંકાસ્પદ આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને રૂ.54 કરોડથી વધુ મૂલ્યના 38 કિલોગ્રામથી વધુ સોના સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તાજેતરના વર્ષોમાં ગુવાહાટીમાં સોનાની આ સૌથી મોટી રિકવરી (બરામદગી) માનવામાં આવી રહી છે. પોલીસ આ મામલાની વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
- Advertisement -
પોલીસના જણાવ્યા અનુસાર એક સચોટ ગુપ્ત માહિતીના આધારે લતાશીલ પોલીસ સ્ટેશનની ટીમે ખારઘુલી વિસ્તારમાં એક ખાસ ઓપરેશન ચલાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન સોનાના આ શંકાસ્પદ જથ્થાને જપ્ત કરી લેવાયો હતો, જેને આગળ મોકલવાની તૈયારી ચાલી રહી હતી. સમયસર કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે સોનાનો આ જથ્થો તેના નિર્ધારિત સ્થળે પહોંચે તે પહેલાં જ પકડી પાડવામાં આવ્યો હતો.
આ દાણચોરીની કાર્યવાહી મધ્ય પૂર્વ અને મ્યાનમાર સાથે તેમજ વિવિધ શહેરોમાં ફેલાયેલા સ્થાનિક નેટવર્ક સાથે જોડાયેલી છે તેમજ મુંબઈ, દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ સાથે સ્થાનિક જોડાણો ધરાવે છે. નિવેદનમાં પોલીસ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, “અમે સમગ્ર ગેંગ, અગાઉના માલસામાન અને નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ કરવા માટે વધુ જોડાણોની તપાસ કરી રહ્યા છીએ.” પોલીસ પકડાયેલા આરોપીની સતત પૂછપરછ કરી રહી છે જેથી એ જાણી શકાય કે આ સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેને ક્યાં પહોંચાડવાનું હતું. આ ઉપરાંત તપાસ એજન્સીઓ અન્ય રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા તારની પણ તપાસ કરી રહી છે.
આરોપી પાસેથી શું-શું મળ્યું?
પોલીસે આ કેસમાં અક્ષય બંસુરે નામના આરોપીની ધરપકડ કરી છે. તેની પાસેથી આશરે 38 કિલો સોના ઉપરાંત, 4 મોબાઈલ ફોન અને ₹3700 રોકડા પણ મળી આવ્યા છે. પોલીસે આ બધી સામગ્રી જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પકડાયેલો આરોપી કોઈ આંતરરાષ્ટ્રીય સોનાની તસ્કરી (સ્મગલિંગ) કરતા નેટવર્ક સાથે જોડાયેલો હોઈ શકે છે. જોકે, પોલીસે હજુ સુધી કોઈ સંગઠિત ગેંગ કે તેના નેટવર્ક વિશે સત્તાવાર પુષ્ટિ કરી નથી.




