કોઇ દોષિતોને છોડવામાં નહીં આવે તેવા યોગી આદિત્યનાથના વચનો માત્ર ડંફાસ પુરવાર થયા
માત્ર ટિન્નુ જેવા વ્યક્તિઓની ધરપકડ પૂરતી નથી, તપાસ એજન્સીએ ટ્રસ્ટના અધિકારીઓની પૂછપરછ કરવી જોઇએ
- Advertisement -
અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં ચોરીના કેસમાં મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના નજીકના રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ સહિત ૮ આરોપીઓની ગુરુવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસ ફરિયાદ સરકાર કે પોલીસની જગ્યાએ મંદિર ટ્રસ્ટ દ્વારા નોંધાવવામાં આવી છે અને આ પોલીસ ફરિયાદમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય, ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રા કે મંદિર નિર્માણ પ્રભારી ગોપાલ રાવના નામ સામેલ નથી. આથી મંદિર ટ્રસ્ટ અને એસઆઈટીની ભૂમિકા પર સવાલ ઉઠવાના શરૂ થયા છે.
ઉલ્લેખનીય છે કે, રામ મંદિરના દાનપાત્રમાં આવતી ભેટ-સોગાદો અને રોકડ રકમમાં ગેરરીતિ થતી હોવાની. ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, મંદિર પરિસરમાં તૈનાત કેટલાક કર્મચારીઓ અને ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોએ સાંઠગાંઠ કરીને કરોડો રૂપિયાના ચઢાવામાં હેરફેર કરી હતી. પોલીસ કાર્યવાહી બાદ રમાશંકર યાદવ સહિતના ૮ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ લાંબા સમયથી ટ્રસ્ટના આંતરિક વહીવટમાં પ્રભાવ ધરાવતા હતા.
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું રાજીનામું, ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવ્યા
અયોધ્યા રામ મંદિરમાં ચોરીના કેસના સંદર્ભમાં મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપી દીધું છે. ટ્રસ્ટી નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, મને ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે માહિતી મળી છે. સૂત્રો મુજબ, મંદિર નિર્માણના પ્રભારી ગોપાલ રાવને પણ મંદિરની વ્યવસ્થામાંથી હટાવી દેવામાં આવ્યા છે. અગાઉ, ગુરુવારે મોડી રાત્રે ચંપત રાયના નજીકના રામાશંકર યાદવ (ઉર્ફે ટીન્નુ) સહીત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આજે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે. ખરેખરમાં, ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદના આધારે ગુરુવારે મોડી સાંજે પહેલી FIR નોંધવામાં આવી હતી. જોકે, ચંપત રાય, ડૉ. અનિલ મિશ્રા અને અન્ય વરિષ્ઠ પદાધિકારીઓના નામ FIRમાં નથી. ચોરીનો મામલો સૌપ્રથમ 7 જૂને પ્રકાશમાં આવ્યો હતો. યુપી સરકારે 13 જૂને SITની રચના કરી હતી. SITએ 23 જૂને અધિક મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદને તેનો પ્રારંભિક રિપોર્ટ સુપરત કર્યો હતો. રામ મંદિરમાં ચઢાવામાંથી ચોરી અંગે ચાલી રહેલા હોબાળા વચ્ચે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે રામલલ્લાના દર્શન કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જેમણે આ મહાપાપ કર્યું છે તેમને કડક સજા મળવી જોઈએ, તેમણે વધુમાં કહ્યું હતું કે FIR ફક્ત એક દેખાડો છે. મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
યોગીએ કહ્યું – દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને રહીશું
યોગીએ કહ્યું – SIT રિપોર્ટ મળતાની સાથે જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અમે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને રહીશું. અમે લોકોની શ્રદ્ધા સાથે છેડછાડ થવા દઈશું નહીં. કોઈને પણ છોડવામાં આવશે નહીં. આરોપો લગાવનારા લોકો એ જ લોકો છે જેમણે ભગવાન રામના અસ્તિત્વનો ઇનકાર કર્યો હતો – દાવો કર્યો હતો કે રામ ક્યારેય અસ્તિત્વમાં નહોતા – અને અયોધ્યાના અસ્તિત્વનો પણ ઇનકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ કોર્ટમાં ગયા અને વકીલોની ફોજ ઉભી કરી હતી. યોગીએ કહ્યું – તો બીજો પક્ષ છે, જે ફક્ત રામનું નામ લેવા બદલ ભક્તો પર ગોળીબાર અને લાઠીચાર્જ કરતો હતો. આજે, તેઓ કહે છે કે આસ્થા સાથે છેડછાડ કરવામાં આવી છે. તેઓ રામ નવમી પર રમખાણો ભડકાવતા હતા, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી પર પ્રતિબંધ મૂકતા હતા, કાવડ યાત્રાને અવરોધતા હતા અને દુર્ગા પૂજા દરમિયાન હિંસા ભડકાવતા હતા – છતાં તેઓ જ દાવો કરે છે કે આસ્થા સાથે છેડછાડ કરવામાં આવી. તેમના કાળા કામો હવે ખુલ્લા પડી રહ્યા છે.




