હિંદુ ધર્મમાં અગિયારસના વ્રતનું વિશેષ મહત્વ છે, પરંતુ તે બધામાં જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી સૌથી શ્રેષ્ઠ અને કઠિન માનવામાં આવે છે. આજે દેશભરમાં ભક્તિભાવપૂર્વક ભીમ અગિયારસ જેને નિર્જળા એકાદશી પણ કહેવાય છે તે ઉજવવામાં આવી રહી છે. વિક્રમ સંવત 2082માં ‘અધિક જેઠ માસ’નો દુર્લભ સંયોગ બન્યો હોવાથી, આ વર્ષની આ 15મી એકાદશી ગણાશે. વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસને અત્યંત પવિત્ર અને અક્ષય પુણ્ય આપનારો માનવામાં આવ્યો છે.
‘ભીમ અગિયારસ’ કેમ કહેવાય છે?
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, આ વ્રતની કથા મહાભારત કાળ સાથે જોડાયેલી છે. પાંડવોમાં ભીમસેન ખૂબ જ ખાવાનો શોખીન હતો, જેના કારણે તેમના માટે વર્ષની 24 એકાદશીએ ભૂખ્યા રહેવું અશક્ય હતું. ત્યારે મહર્ષિ વેદવ્યાસે તેમને ઉપાય જણાવતા કહ્યું કે, જો તેઓ વર્ષભરની તમામ એકાદશીઓનું પુણ્ય એકસાથે મેળવવા ઈચ્છતા હોય, તો તેમણે જેઠ મહિનાની આ એકાદશીએ અન્ન અને જળનો ત્યાગ કરીને કઠોર વ્રત કરવું જોઈએ. ભીમસેને આ વચનનું પાલન કર્યું અને કઠિન વ્રત પૂરું કર્યું. ત્યારથી આ અગિયારસ ‘ભીમ અગિયારસ’ અથવા ‘નિર્જળા એકાદશી’ તરીકે પ્રસિદ્ધ થઈ. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે કરાયેલા જપ, તપ, દાન અને ઉપાસનાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
- Advertisement -
ભીમ અગિયારસે શું કરવું અને શું ન કરવું?
શું કરવું?
સાત્વિકતા: મન, વચન અને કર્મથી સંપૂર્ણ સાત્વિકતા જાળવવી.
- Advertisement -
ગૌસેવા: આ દિવસે ગાય માતાની સેવા કરવી, તેમને લીલું ઘાસ ખવડાવવું અત્યંત શુભ છે.
પૂજન: તુલસી ક્યારે દીવો કરવો અને પીપળાના વૃક્ષની પૂજા કરવી.
દાન: ઉનાળાની ઋતુ હોવાથી આ દિવસે કેરી, પંખા, વસ્ત્રો અને ખાસ કરીને ઠંડા પાણીના કુંડા કે શરબતનું દાન કરવું ઉત્તમ ગણાય છે.
શું ન કરવું?
અસત્ય અને ક્રોધ: આ દિવસે અસત્ય બોલવાનું ટાળવું અને ક્રોધ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું.
ભોજનમાં વર્જિત: આ દિવસે ઘરમાં ચોખા (ભાત) તેમજ ડુંગળી અને લસણનો પ્રયોગ ભૂલથી પણ ન કરવો.
તુલસી પત્ર: અગિયારસના દિવસે તુલસીના પાન ક્યારેય તોડવા નહીં.




