વિસ્તારમાં વધુ બોમ્બ હોવાની આશંકા, સર્ચ ઓપરેશન ચાલું
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા(KP) પ્રાંતના બન્નુ જિલ્લામાં આતંકવાદીઓએ એક પછી એક બે રિમોટ-કંટ્રોલ બ્લાસ્ટ કરીને ભયાનક આતંકી હુમલાને અંજામ આપ્યો છે. આ બેક-ટુ-બેક વિસ્ફોટોમાં વાહનોના ફુરચા ઉડી ગયા હતા, જેમાં 7 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે આ હુમલાને ‘કાયરતાપૂર્ણ આતંકી કૃત્ય’ ગણાવ્યું છે. બન્નુના વજીર સબ-ડિવિઝન હેઠળ આવતા અર્ધ-જનજાતીય અને પહાડી વિસ્તાર ‘મરકા બેરા’ના ફાંગ મૂસા ખેલ નામના ગામમાં આ હૃદયદ્રાવક ઘટના ઘટી છે. બન્નુના ડિસ્ટ્રિક્ટ પોલીસ ઑફિસર(DPO) યાસિર અફરીદીએ વિસ્ફોટોની પુષ્ટિ કરી છે. અહેવાલો અનુસાર, પ્રથમ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે ડેટસન કંપનીનું એક ખાનગી વાહન મુસાફરોને લઈને ડોમેલ તરફ જઈ રહ્યું હતું. આ જોરદાર વિસ્ફોટમાં વાહન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું અને 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
- Advertisement -
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પ્રથમ બ્લાસ્ટના ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે જ ઘટનાસ્થળથી માત્ર એક કિલોમીટર દૂર આતંકીઓએ બીજો રિમોટ કંટ્રોલ બ્લાસ્ટ કર્યો હતો. આ બીજા વિસ્ફોટમાં અન્ય એક વાહનના ફુરચા ઉડી ગયા હતા અને વધુ 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ‘રેસ્ક્યુ 1122’ની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી હતી અને તમામ મૃતદેહો તથા ઘાયલોને ડોમેલ રૂરલ હેલ્થ સેન્ટર અને ખલીફા ગુલ નવાઝ ટીચિંગ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આઇઈડી (IED) સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ આતંકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે.




