ચાઈનીઝના નામે ગ્રાહકોને ખવડાવાતી હતી ફૂગવાળી ડુંગળી અને વાસી રાઈસ-ગ્રેવી
155 કિલો વાસી ગ્રેવી-નુડલ્સનો નાશ કરાયો, રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ
- Advertisement -
રાજકોટ શહેરમાં વેચાતા ખાધ પદાર્થોમાં ખુલ્લેઆમ મિલાવટ થઈ રહી છે. જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહેલા તત્વો સામે કાનૂની રાહે પગલા ભરવામાં સરકારી તંત્ર લાજ કાઢતું હોવાથી ભેળસળીયા તત્વો બેફામ બન્યા છે. ત્યારે તેના પર લગામ લગાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સતત પાંચમા દિવસે ભેળસેળિયા અને નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ફૂડ વિભાગની ટીમ દ્વારા ન્યુ આશ્રમ રોડ પર બાલક હનુમાન ચોક પાસે આવેલા ‘મોર્ડન પંજાબી ચાઈનીઝ’ નામના રેસ્ટોરન્ટમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન પેઢીના ફ્રીજ તેમજ કિચનમાંથી અત્યંત બિસ્માર અને અસ્વચ્છ સ્થિતિમાં રાખેલો વાસી પ્રિપેર્ડ ફૂડ, જેમકે ગ્રેવી, મંચુરિયન, કાંદાભાજી, રેડ ગ્રેવી, વાસી રાઈસ, ફૂગવાળી કાપેલી ડુંગળી, બાંધેલો લોટ તેમજ નુડલ્સ અને બાફેલા શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો. એટલું જ નહીં, અહીંથી આરોગ્ય માટે હાનિકારક એવા પ્રતિબંધિત સિન્થેટીક ફૂડ કલરનો જથ્થો પણ જપ્ત કરાયો હતો. અધિકારીઓએ સ્થળ પર જ કુલ ૧૫૫ કિલોગ્રામ અખાદ્ય ખોરાકનો નાશ કરાવ્યો હતો. પેઢીના માલિક ઉમંગભાઈ અશોકભાઈ ગોદવાણીની આ ગંભીર બેદરકારી અને અહાઈજીનિક ફૂડ પ્રોસેસ પદ્ધતિને ધ્યાને રાખીને ફૂડ વિભાગે પેઢીને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે. આ સાથે જ માલિકને રૂ. ૧૦,૦૦૦/- નો વહીવટી દંડ ફટકારી, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના શેડ્યુલ-૪ મુજબની ખામીઓ બદલ અલગથી કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રની આ લાલ આંખથી અખાદ્ય ચીજોનું વેચાણ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.





