આરોગ્ય સાથે ચેડાં કરતા અને ગંદકી રાખતા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે મનપાની કડક ઝુંબેશ
385 કિલોગ્રામ ગંધાતા વાસી ખોરાકનો નાશ કરતી મનપાઃ રામ ચાઈનીઝને 84,400નો દંડ ફટકાર્યો
- Advertisement -
ગ્રાહકોને વાસી ખોરાક ખવડાવતું ‘બાલાજી ઢોસા સેન્ટર’ સીલઃ 115 કિલો ગંધાતો જથ્થો કચરાભેગો કરાયો
વિવિધ વિસ્તારોમાં 63 પેઢીઓમાં મનપાની તપાસઃ 260 કિલો અખાદ્ય જથ્થાનો નાશ અને 74 હજારનો દંડ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને ગંદકી રાખતા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગે સપાટો બોલાવીને નિયમોનું ઉલ્લંઘન કરતી બે જાણીતી પેઢીઓને સીલ કરી દીધી છે, જ્યારે અલગ-અલગ વિસ્તારોમાંથી અંદાજે ૩૮૫ કિલોગ્રામ જેટલા વાસી અને ગંધાતા અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરી કુલ ૮૪,૪૦૦/- ની પેનલ્ટી વસૂલ કરી છે. ફૂડ વિભાગના આ સપાટાથી હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મનપાની ટીમે ગોંડલ રોડ પર બોમ્બે હોટેલ અને વૃદ્ધાશ્રમ સામે આવેલી “શ્રી રામ ચાઇનીઝ & પંજાબી” રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરતા ત્યાં અત્યંત ગંદકી અને નિયમોનો ભંગ જોવા મળ્યો હતો. અહીં રસોડામાં તપાસ કરતા સડેલા બટેટા અને સડેલી દૂધીનો જથ્થો મળી આવ્યો હતો, જેમાંથી ગ્રાહકો માટે રસોઈ બનાવવામાં આવતી હતી. આ ગંભીર બેદરકારી બદલ તંત્રએ પેઢીને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે અને સ્થળ પરથી આશરે ૧૦ થી ૧૨ કિલો વાસી અખાદ્ય ખોરાક અને સડેલા શાકભાજીના જથ્થાનો નાશ કરી હાઈજેનિક કન્ડિશન જાળવવા નોટિસ આપી છે. આ ઉપરાંત, મવડી બાયપાસ રોડ પર રિયલ પ્રાઇમની સામે આવેલ “બાલાજી ઢોસા સેન્ટર” માં લાયસન્સ વગર જ ધમધમાટ ચાલતો હોવાનું અને ભારે અનહાઈજેનિક કન્ડિશનમાં ખાદ્ય ચીજો બનાવવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. વાસી અને અખાદ્ય ચીજોનો મોટો સ્ટોરેજ જોવા મળતા ફૂડ વિભાગે આ પેઢીને પણ સીલ મારી દીધું છે અને સ્થળ પરથી અંદાજિત ૧૧૫ કિલોગ્રામ વાસી-અખાદ્ય ખોરાકનો નાશ કરી ૧૦,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે.
ફૂડ વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા શહેરના મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક (૧૫૦ ફૂટ રિંગરોડ), સર્વેશ્વર ચોક, વર્ણીરાજ ફૂડ ઝોન (નેપલ્સ પીઝા), રેસકોર્સ રિંગ રોડ, સોરઠિયાવાડી સર્કલથી ભક્તિનગર સર્કલ સુધીનો ૮૦ ફૂટ રોડ, આઈ.ટી.આઈ. હોકર્સ ઝોન, તેમજ આજી ડેમ ચોકડીથી માંડા ડુંગર અને રણુજા મંદિર પાસે કોઠારીયા મેઈન રોડ સહિતના વિસ્તારોમાં મેગા ડ્રાઈવ અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ વિસ્તારોમાંથી કુલ ૬૩ પેઢી, રેસ્ટોરન્ટ અને હોકર્સ ઝોનની તપાસ કરતા ૨૬૦ કિલોગ્રામ અખાદ્ય વાસી જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે કુલ ૨૬ પેઢીને સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી અને ₹૭૪,૪૦૦/- ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.
આઈસ્ક્રીમ અને શ્રીખંડના ૬ શંકાસ્પદ નમૂના લેવાયા
૧. અમેરિકન ડ્રાયફ્રુટ શ્રીખંડ (લૂઝ): શ્રીજી મઠાવાલા, સમભાવ કોમ્પ્લેક્સ, નાનામવા રોડ.
૨. વેનીલા આઇસ્ક્રીમ (લૂઝ): શ્રીજી મઠાવાલા, સમભાવ કોમ્પ્લેક્સ, નાનામવા રોડ.
૩. ડ્રાયફ્રૂટ ડીલાઇટ આઇસ્ક્રીમ (લૂઝ): આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, રેસકોર્સ પાર્ક, એરપોર્ટ રોડ.
૪. પાઈનેપલ શ્રીખંડ (લૂઝ): મહેશ વિજય ડેરીફાર્મ, ડેસ્ટિનેશન પ્લસ, અમીન માર્ગ.
૫. રાવણા જાંબુ આઇસ્ક્રીમ (લૂઝ): આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, રેસકોર્સ પાર્ક, એરપોર્ટ રોડ.
૬. મેંગો ચિપ્સ શ્રીખંડ (લૂઝ): મહેશ વિજય ડેરીફાર્મ, ડેસ્ટિનેશન પ્લસ, અમીન માર્ગ.





