અમેરિકા-ઈરાન યુદ્ધ સમાપ્ત, બંને દેશના રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા
નિર્ધારિત તારીખના એક દિવસ પહેલાં કરાર થયા, ટ્રમ્પ બૂમ પાડીને બોલ્યા- ડીલ સાઇન
- Advertisement -
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે વચગાળાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે ફ્રાન્સના પેલેસમાં આ સંબંધિત MoU પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હાજર હતા. ટ્રમ્પ પછી ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને પણ ઈરાનથી ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર કર્યા. કરારની જાહેરાત ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે 5:30 વાગ્યે કરવામાં આવી. તે તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો. આ કરાર હેઠળ ઈરાન અને લેબનોનમાં સૈન્ય કાર્યવાહી સમાપ્ત કરવામાં આવશે. હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવશે અને અમેરિકાની નૌકાદળની નાકાબંધી સમાપ્ત કરવામાં આવશે. આ કરાર પર 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં જીનીવા નજીક લ્યુસર્ન શહેરમાં હસ્તાક્ષર થવાના હતા, નિર્ધારિત કાર્યક્રમ કરતાં એક દિવસ વહેલા જ તેના પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા. પરંતુ ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં છે.
અમેરિકા-ઈરાનના પ્રતિનિધિઓ કાલે સ્વિટ્ઝર્લેન્ડમાં મળશે
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર થયા પછી, બંને દેશો વચ્ચેની પ્રથમ ઔપચારિક વાટાઘાટો શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડના બર્ગેનસ્ટોક રિસોર્ટમાં થશે. બેઠકમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર પાકિસ્તાન અને કતારના પ્રતિનિધિઓ પણ હાજર રહે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત, કરાર પ્રક્રિયા સાથે સંકળાયેલા અન્ય દેશોના અધિકારીઓ પણ બેઠકમાં ભાગ લઈ શકે છે. જોકે, મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે બેઠકના કાર્યક્રમ, સમય અને કાર્યસૂચિ સંબંધિત માહિતી હજુ સુધી સાર્વજનિક કરવામાં આવી નથી.
જ્યાં પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો, ત્યાં જ ટ્રમ્પે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા
ટ્રમ્પે શાંતિ કરાર પર હસ્તાક્ષર એ જ ઐતિહાસિક સ્થળે કર્યા હતા જ્યાં 107 વર્ષ પહેલાં બીજા એક અમેરિકન રાષ્ટ્રપતિએ સમાન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા – એક કરાર જેને ઘણા ઇતિહાસકારોએ પાછળથી બીજા વિશ્વયુદ્ધ અને એડોલ્ફ હિટલરના ઉદયનું મુખ્ય કારણ તરીકે ઓળખાવ્યો હતો. 18 જૂન, 1919ના રોજ, તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને ફ્રાન્સના વર્સેલ્સના મહેલમાં વર્સેલ્સની સંધિ પર હસ્તાક્ષર કર્યા. આનાથી પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. જોકે, યુદ્ધનો અંત લાવનારી સંધિ શરૂઆતથી જ વિવાદાસ્પદ માનવામાં આવતી હતી. જર્મની સાથે સમાન ધોરણે વાટાઘાટો કરવામાં આવી ન હતી. તેના બદલે, સંધિની શરતો તેના પર લાદવામાં આવી હતી. સંધિ હેઠળ, જર્મનીએ યુદ્ધ શરૂ કરવાની જવાબદારી સ્વીકારવી પડી. તેને 26 હજાર ચોરસ માઇલથી વધુનો પ્રદેશ સોંપવાની, આશરે 5 અબજ ડોલર જેટલું વળતર ચૂકવવાની, તેની વિદેશી વસાહતો છોડી દેવાની અને તેના લશ્કરના કદ પર કડક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. જર્મન પ્રતિનિધિઓએ આ શરતોનો સખત વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ ફક્ત એટલા માટે હસ્તાક્ષર કરી રહ્યા છે કારણ કે મિત્ર રાષ્ટ્રોએ ચેતવણી આપી હતી કે જો સંધિ પર હસ્તાક્ષર કરવામાં નહીં આવે તો એક અઠવાડિયાની અંદર જર્મની પર ફરીથી હુમલો કરવામાં આવશે. બાદમાં, હિટલરે આ સંધિ સામે જર્મન જનતામાં ફેલાયેલી નારાજગીને રાજકીય સમર્થન મેળવવા માટે તેનો ઉપયોગ કર્યો. સત્તામાં આવ્યા પછી, તેણે વર્સેલ્સ સંધિની શરતોની અવગણના કરી અને જર્મનીની લશ્કરી તાકાતને ભરી બેઠી કરવાનું શરૂ કર્યું. ઇતિહાસકારો માને છે કે ઘટનાઓનો આ ક્રમ આગળ વધીને બીજા વિશ્વયુદ્ધ માટે માર્ગ મોકળો કરનારા મુખ્ય પરિબળોમાંનો એક હતો.




