ઇરાને વાતને ફગાવી, કહ્યું અમે હજુ કોઇ નિર્ણય લીધો નથી
ટ્રમ્પે 39મી વખત કહ્યું ઇરાન સમજૂતીની નજીક
- Advertisement -
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દાવો કર્યો કે અમેરિકાએ ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત કરી દીધું છે. એક વર્ચ્યુઅલ રેલીમાં ટ્રમ્પે પોતાના સમર્થકોને આ વાત કહી. તેમણે એવો પણ દાવો કર્યો કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર બનાવશે નહીં. ઈરાને ટ્રમ્પના આ દાવાને ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ કહ્યું કે શાંતિ કરાર પર હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ પહેલા ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કહ્યું હતું કે સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ નવી ડીલને મંજૂરી આપી દીધી છે. તેમણે એમ પણ કહ્યું કે ઈરાન સાથેના શાંતિ કરાર પર આ અઠવાડિયે યુરોપમાં હસ્તાક્ષર થઈ શકે છે. જો બધું બરાબર રહ્યું તો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ તેમાં સામેલ થશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધીમાં ૩૯ વખત અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર જલ્દી થવાનો દાવો કરી ચૂક્યા છે. જોકે, ઈરાન પણ સતત કહેતું રહ્યું છે કે હજુ કોઈ અંતિમ કરાર થયો નથી અને ઘણા મહત્વના મુદ્દાઓ પર નિર્ણય બાકી છે.
CNNના રિપોર્ટ મુજબ, ટ્રમ્પે માર્ચથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૮ વખત સાર્વજનિક નિવેદનો, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અથવા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સમજૂતી નજીક છે અથવા ઈરાન ડીલ માટે તૈયાર છે. હવે તેમના તાજા નિવેદન પછી આ સંખ્યા ૩૯ પર પહોંચી ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાની તૈયારી માટે અમેરિકી વાયુસેનાના ૪ વિમાનો યુરોપ મોકલવામાં આવ્યા છે. એક્સિઓસના અહેવાલ મુજબ, આ વિમાનોમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ માટે જરૂરી સાધનો અને લોજિસ્ટિક સામગ્રી મોકલવામાં આવી છે. કરાર પર અમેરિકા વતી વેન્સ હસ્તાક્ષર કરી શકે છે. નોંધનીય છે કે, અમેરિકી સેના ઈરાન પર નવા હુમલા શરૂ કરવાથી લગભગ ૩ કલાક દૂર હતી, ત્યારે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યવાહી રોકવાનો આદેશ આપ્યો.




