વડાપ્રધાનની ‘કરકસર અને વહીવટી પારદર્શિતા’ની અપીલને ધ્યાનમાં રાખીને કડક પગલું લેવાયું
20 ટકા કરતા પણ ઓછી પ્રગતિ થઈ છે, તે તમામ કામો હાલ રોકી દેવામાં આવ્યા છેઃ અત્યંત જરૂરી કામોને પ્રાથમિકતા આપી આગળ ધપાવવામાં આવશે
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડૉ. નેહલ શુક્લની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર એક મોટો અને અભૂતપૂર્વ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘વહીવટી પારદર્શિતા અને કરકસર’ની અપીલને ધ્યાનમાં રાખીને, મનપાના પૂર્વ શાસનકાળના ૮૪૬.૪૯ કરોડની કિંમતના કુલ ૯૮ વિકાસ કામોને તાત્કાલિક અસરથી સ્થગિત (હોલ્ડ પર) કરવાનો આદેશ જારી કરાયો છે. મનપાના બજેટ વર્ષ ૨૦૨૫-૨૬ અને ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત મંજૂર થયેલા આ ૯૮ કામોમાંથી જે પ્રોજેક્ટ હજુ સુધી શરૂ જ નથી થયા અથવા જેમાં ૨૦ ટકા કરતા પણ ઓછી પ્રગતિ થઈ છે, તે તમામ કામો હાલ રોકી દેવામાં આવ્યા છે.
આ અંગે માહિતી આપતા મેયર ડૉ. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, વહીવટમાં કરકસર લાવવાની સાથે લોકોને જરૂરી સુવિધાઓ વહેલી તકે મળે અને કામોની ગુણવત્તા વધે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સ્થગિત કરાયેલા આ તમામ કામોની હવે ગહન સમીક્ષા કરવામાં આવશે અને લોકોપયોગિતાના આધારે કમિશનરની પૂર્વ મંજૂરી લઈને જ અત્યંત જરૂરી કામોને પ્રાથમિકતા આપી આગળ ધપાવવામાં આવશે, જ્યારે બાકીના બિનજરૂરી કામો માટે કમિશનરે નવેસરથી દરખાસ્ત કરવાની રહેશે. આ સમીક્ષા દરમિયાન શહેરથી દૂર બનનારી જંગી વુમન હોસ્ટેલ તેમજ જ્યુબિલી શાકમાર્કેટ તોડીને ૨૯ કરોડના ખર્ચે બનનારી નવી શાકમાર્કેટ અને શોરૂમ જેવા બિનજરૂરી તથા ‘સફેદ હાથી’ સમાન પ્રોજેક્ટ્સ કાયમી ધોરણે રદ થાય તેવી પૂરેપૂરી સંભાવના વહીવટી વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.




