શ્રીનાથગઢ-મોવિયા રોડ પર કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા સર્જાયેલો અકસ્માત
સાસણથી પરત આવતી વેળાએ બનેલી ઘટના : સખી સહીત ચાર ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ
- Advertisement -
રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક શ્રીનાથગઢ -મોવિયા રોડ ઉપર ગર બપોરે કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પ્રાપ્ત વિગત અનુસાર શ્રીનાથગઢ -મોવિયા રોડ ઉપર પુરપાટ ઝડપે આવતી કાર લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટ રહેતી પૂજાબેન જીતેનભાઈ રાજગોરનું મોત નીપજ્યું હતું ભોગ બનનાર પુજાબેન રીબડાનાં ચકચારી અમીત ખુંટ આપઘાત કેસમાં આરોપી હતા આ અકસ્માતમાં નિરાલીબેન મોહિતભાઈ ગોહિલ, લાલો સંજયભાઈ વધીયા, સંજય રાજુભાઈ જાખલિયા અને ત્રિશા મહેશભાઈ દાઢીયા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલે ખસેડાયા હતા આ તમામ લોકો સાસણ ગીર ફરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી જ ઝાડ સાથે અથડાઈ હતી અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તત્કાળ તમામને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ પૂજાબેનને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય ચાર લોકોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસે અકસ્માત અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માં-બાપે ના પાડતા પૂર્વ પતિએ ફરિયાદી ન બનવાની શરતે મૃતદેહ સંભાળ્યો
- Advertisement -
અકસ્માતમાં ભોગ બનનાર પૂજા રાજગોરનાં માતા પિતાએ મૃતદેહને સંભાળવાની ના પાડી દેતા પોલીસ મુંઝવણમાં મુકાઈ હતી આખરે રાજકોટ રહેતા તેના પૂર્વ પતિ યશ ડોડીયાને જાણ કરાઇ હતી. અકસ્માતની ઘટનાનાં છ કલાક બાદ પૂજાનાં પૂર્વ પતિએ મૃતદેહ સંભાળવાની જવાબદારી લેતા પોલીસે પીએમ માટે તજવીજ હાથ ધરી હતી. રાજકોટનાં આહીર ચોકમાં રહેતા યશ ડોડીયા સાથે પૂજાએ 2025માં પ્રેમ લગ્ન કર્યા હતા અને ફેબ્રુઆરી 2026માં છુટાછેડા થઈ ગયા હતા છુટાછેડા બાદ પુજા સાથે કોઈ સંપર્ક ન હતો. અકસ્માતના બનાવ અંગે મને વકીલ દિનેશ પાતરે જાણ કરતા માનવતા ખાતર પહોંચ્યા હતા મૂળ જૂનાગઢની પૂજા બે બહેનો અને એક ભાઇનાં પરિવારમાં વચેટ હતી માતા-પિતાએ ત્રણ વર્ષથી પૂજા સાથે સબંધ તોડી નાખ્યા હોવાથી પૂજા રાજગોર રાજકોટ ખાતે હાલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત નિરાલી ગોહીલ સાથે રહેતી હતી. પૂજા ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુકમાં 92000 જેટલા ફોલોઅર્સ ધરાવતી હતી.




