હત્યા બાદ લાશ નર્મદા કેનાલમાં ફેંકી પરિવારને ગેરમાર્ગે દોર્યો હોવાનો ઘટસ્ફોટ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે લગભગ સાત મહિના પહેલા બનેલી એક રહસ્યમય હત્યાનો ભેદ હવે ખુલતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક શાંતીગીરી ઉર્ફે ગુરુની હત્યા તેની સાથે રહેતી જાગૃતિ તથા તેના પ્રેમી કાન્તીલાલ ઉર્ફે ભરત સાબરીયાએ મળીને કરી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યો છે. આ મામલે મૃતકના ભાઈ ભીખુગીરી ઉર્ફે સુખદેવગીરી ગોસ્વામીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, શાંતીગીરી છેલ્લા ઘણા વર્ષોથી પોતાની ભાભી જાગૃતિ સાથે સોલડી ગામે રહેતો હતો. દરમિયાન જાગૃતિના કાન્તીલાલ ઉર્ફે ભરત સાબરીયા સાથે આડા સંબંધો હોવાની શંકા શાંતીગીરીએ પરિવારજનોને અગાઉથી વ્યક્ત કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2025ના ઓક્ટોબર મહિનાથી શાંતીગીરીનો ફોન સતત બંધ આવતો હતો. પરિવારજનોએ પૂછપરછ કરતાં જાગૃતિ વારંવાર એવો જવાબ આપતી હતી કે શાંતીગીરી મોરબીના શેઠના દોઢ લાખ રૂપિયા લઈને ક્યાંક ચાલ્યો ગયો છે. જાન્યુઆરી 2026માં માતાના અવસાન પ્રસંગે પણ શાંતીગીરી હાજર ન રહેતા પરિવારને શંકા વધુ ગાઢ બની હતી.
પરિવારજનોએ ખાનગી રીતે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું હતું કે જાગૃતિ સોલડી ગામનું ઘર ખાલી કરી ધ્રાંગધ્રા-હળવદ રોડ પર ભાડાના મકાનમાં એકલી રહેવા લાગી હતી. ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાતા સમગ્ર ઘટનાક્રમનો ભેદ ખુલ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ગત તા.08/10/2025ના રોજ સોલડી ગામે જાગૃતિ અને કાન્તીલાલે પૂર્વ આયોજિત કાવતરું રચી શાંતીગીરી સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન કાન્તીલાલે શાંતીગીરીને પકડી તેનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું અને ગળું દબાવ્યું હતું. જ્યારે જાગૃતિએ ઓશીકાથી મોઢું દબાવી તેની હત્યા કરી હતી. બાદમાં આરોપીઓએ પુરાવા નષ્ટ કરવા માટે લાશને સુરેન્દ્રનગર નજીક રાજપર-બાળા નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. ગત તા.09/10/2025ના રોજ કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી, પરંતુ તે સમયે ઓળખ થઈ શકી ન હતી. બાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મૃતદેહ શાંતીગીરીનો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ દ્વારા પરિવારજનોને બોલાવી ફોટા પરથી ઓળખ કરવામાં આવી હતી. હાલ પોલીસે જાગૃતિ તથા કાન્તીલાલ ઉર્ફે ભરત સાબરીયા વિરુદ્ધ હત્યા અને પુરાવા નષ્ટ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



