એક વર્ષમાં 35 લાખથી વધુ યાયાવર પક્ષીઓ બન્યા રાજ્યના ‘અતિથિ’
રાજ્યની પાંચ ‘રામસર સાઈટ’ પક્ષીઓ માટે બની સ્વર્ગ
- Advertisement -
14 લાખ પક્ષીઓ સાથે નડાબેટ પક્ષીઓની પહેલી પસંદ, ખીજડીયામાં સૌથી વધુ 347 પ્રજાતિઓની હાજરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત તેની ભૌગોલિક વિવિધતા અને સુરક્ષિત પર્યાવરણને કારણે દેશ-વિદેશના પ્રવાસીઓની સાથે હવે વિદેશી પક્ષીઓ માટે પણ એશિયાનું સૌથી પ્રિય આશ્રયસ્થાન બની ગયું છે. વર્ષ 2025-26ના આંકડા મુજબ, છેલ્લા એક વર્ષમાં રાજ્યની પાંચ ‘રામસર સાઈટ’, નડાબેટ અને કચ્છના ‘રોડ ટુ હેવન’ વિસ્તારમાં અંદાજે 35 લાખથી વધુ યાયાવર અને સ્થાનિક પક્ષીઓએ પડાવ નાખ્યો છે. 09 મે ના રોજ ઉજવાતા ‘વિશ્ર્વ સ્થળાંતર-યાયાવર પક્ષી દિવસ’ નિમિત્તે વન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ આંકડા ગુજરાતની પક્ષી-મૈત્રીપૂર્ણ છબીને વૈશ્વિક સ્તરે મજબૂત કરે છે. આ વર્ષની થીમ ‘પ્રત્યેક પંખી મહત્વનું છે, આપણું નિરીક્ષણ એટલે જ અગત્યનું છે’ રાખવામાં આવી છે.
આ વર્ષે પક્ષીઓની ગણતરીમાં બનાસકાંઠાના વાવ-થરાદમાં આવેલું ‘નડાબેટ’ સૌથી મોટું આકર્ષણ સાબિત થયું છે. જાન્યુઆરી-2026ની ગણતરી મુજબ અહીં 183 પ્રજાતિના અંદાજે 14.90 લાખ પક્ષીઓ નોંધાયા છે, જેમાં લેસર ફ્લેમિંગો (નાનો હંજ)ની સંખ્યા 9 લાખથી વધુ છે. બીજી તરફ, જામનગરનું ‘ખીજડીયા પક્ષી અભયારણ્ય’ વિવિધતાની દૃષ્ટિએ મોખરે રહ્યું છે. અહીં 347 જેટલી પક્ષી પ્રજાતિઓની હાજરી જોવા મળી છે, જેમાં સાઈબેરીયા, પાકિસ્તાન, યુરોપ અને સાઉથ અમેરિકા જેવા દેશોમાંથી આવતા 190 જેટલા યાયાવર પક્ષીઓનો સમાવેશ થાય છે.
કચ્છના ધોળાવીરા પાસે આવેલા ‘રોડ ટુ હેવન’ વિસ્તારમાં આ વર્ષે 7.90 લાખથી વધુ પક્ષીઓ મહેમાન બન્યા છે. આ ઉપરાંત, ગુજરાતની પાંચ રામસર સાઈટ્સ પક્ષીઓના સંવર્ધન માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે. નળ સરોવર પક્ષી અભયારણ્યમાં 270 પ્રજાતિના 6.42 લાખ પક્ષીઓ નોંધાયા છે. જ્યારે કચ્છના મીઠા પાણીના સરોવર ‘છારી ઢંઢ’ ને વર્ષ 2026માં ગુજરાતની પાંચમી રામસર સાઈટ તરીકેનું સન્માન પ્રાપ્ત થયું છે, જ્યાં 1.50 લાખ પક્ષીઓ નોંધાયા છે. થોળ અને વઢવાણા વેટલેન્ડમાં પણ હજારોની સંખ્યામાં પક્ષીઓએ હંગામી આશ્રય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન વન્યજીવ સુરક્ષા માટે જે પાયો નાખ્યો હતો, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ રાજ્ય વન મંત્રી પ્રવિણ માળી સુપેરે આગળ ધપાવી રહ્યા છે. વન વિભાગ દ્વારા ઉનાળામાં પાણીની સુવિધા અને શિયાળામાં આશ્રયની વ્યવસ્થા કરવામાં આવે છે, જેના કારણે સાઈબેરીયા અને યુરોપના પક્ષીઓ હજારો કિલોમીટર કાપીને ગુજરાતની ભૂમિને પોતાનું ઘર બનાવે છે. વન વિભાગના વાઈલ્ડલાઈફ પ્રભાગના જણાવ્યા અનુસાર, મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આ વિદેશી પક્ષીઓનું આગમન થાય છે, જે રાજ્યના પ્રવાસન અને પર્યાવરણ સંતુલન માટે ગૌરવ સમાન છે.



