જમીન સંપાદન ઉપરાંત ટી.પી. રોડ પર નડતરરૂપ બાંધકામો પણ હટાવવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનધિકૃત બાંધકામો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશથી ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા તા. 05/05/2026ના રોજ વોર્ડ નં. 10, 11 અને 12માં રસ્તાઓ તેમજ અનામત પ્લોટમાં થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
આ કામગીરી હેઠળ મવડી વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં. 21માં સોરઠીયા પાર્ક પાસે આવેલા વાણીજ્ય હેતુના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં અંદાજે 3773 ચોરસ મીટર જેટલી કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની બજાર કિંમત આશરે રૂ. 32.14 કરોડ આંકવામાં આવી છે. જમીન સંપાદન ઉપરાંત ટી.પી. રોડ પર નડતરરૂપ બાંધકામો પણ હટાવવામાં આવ્યા હતા. જેમાં મવડીના 9.00 મીટરના રોડ પરથી 50 મીટર લાંબુ ધાર્મિક દબાણ અને નાનામવા એ.જી. સોસાયટી પાસે રસ્તાને નડતરરૂપ 100 મીટર લાંબી દીવાલ તોડી પાડવામાં આવી હતી. તેમજ મવડી-પાળ રોડ પર 24.00 મીટરના ટી.પી. રોડ પર રામલીલા પાર્ટી પ્લોટ પાસે થયેલ 200 મીટર લંબાઈનું બાંધકામ દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો.
આ સમગ્ર ઓપરેશન દરમિયાન ટાઉન પ્લાનીંગ ઓફિસર, એન્જીનીયરો, સર્વેયરો તેમજ ફાયર વિભાગ અને રોશની વિભાગનો કાફલો હાજર રહ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ ડિમોલીશનની કામગીરી સંપન્ન કરવામાં આવી હતી.



