સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરે કમિશનરને કાનૂની જોગવાઈઓ સાથે ધારદાર રજૂઆત કરી: હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની પણ તૈયારી
શહેરમાં અણઘણ વહીવટ અને આડેધડ કામગીરીનો વધુ એક પુરાવો
- Advertisement -
નબળી ગુણવત્તાના કામથી જાહેર આરોગ્ય જોખમમાં, કડક કાર્યવાહી અને ઋઈંછની માંગ સાથે નાગરિકો આંદોલનના મૂડમાં
યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો મામલો કલેક્ટર, વિજિલન્સ એજન્સી અને લોકાયુક્ત સુધી લઈ જવાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
- Advertisement -
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાતી વિકાસલક્ષી કામગીરીઓ પર સવાલો ઊભા થતા જાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નબળી ગુણવત્તાના કામોને લઈને ઉગ્ર અસંતોષ વચ્ચે હવે કેવડા વાડી વિસ્તારમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજના ગંભીર વિવાદમાં સપડાઈ છે. સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકર સોહેલ એ. સિદ્દીકી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત ફરિયાદ કરીને ભ્રષ્ટાચાર અને ટેકનિકલ ગેરરીતિઓના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગટર ચેમ્બરોના નિર્માણમાં એન્જિનિયરિંગ ધોરણોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. નિયમ મુજબ છઈઈ (રીઇનફોર્સ્ડ સિમેન્ટ કંક્રીટ) નો મજબૂત પાયો હોવો જોઈએ, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર રેતી અને નબળી ગુણવત્તાના સિમેન્ટથી કામ પૂરું કરવામાં આવી રહ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પાણી ભરેલી સ્થિતિમાં જ પાયાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ચેમ્બરોની મજબૂતી પર સવાલ ઊભા થયા છે. નાગરિકોએ ચેતવણી આપી છે કે આ પ્રકારની બિનધોરણસર કામગીરીને કારણે ગટરનું ગંદુ પાણી જમીનમાં ઉતરી રહ્યું છે, જે ભવિષ્યમાં મોટા આરોગ્ય સંકટનું કારણ બની શકે છે. વિસ્તારના લોકો બોરવેલ અને અન્ય સ્ત્રોતો પરથી પીવાનું પાણી મેળવે છે, તેથી જો ગટરનું દૂષિત પાણી જમીનમાં મિશ્રિત થાય તો કોલેરા, ટાઈફોઈડ અને કમળા જેવા જીવલેણ રોગો ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે નાગરિકોમાં ભારે રોષ છે અને તેઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો મામલો જિલ્લા કલેક્ટર, વિજિલન્સ એજન્સી અને લોકાયુક્ત સુધી લઈ જવામાં આવશે. જરૂર પડે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. જૂનાગઢમાં વિકાસના નામે થતા વિનાશ અને ભ્રષ્ટાચાર સામે નાગરિકોની આ જાગૃતિ હવે તંત્રને કેટલી હરકતમાં લાવે છે, તે જોવું રહ્યું. જૂનાગઢમાં વિકાસના નામે ચાલી રહેલી કામગીરીઓ સામે ઉઠતા પ્રશ્નો હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. કેવડા વાડીના આક્ષેપો માત્ર એક વિસ્તાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર શહેરમાં પારદર્શિતા અને ગુણવત્તા અંગે મોટો પ્રશ્ન ઊભો કરે છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મુદ્દે કેટલી ઝડપથી અને કેટલી અસરકારક રીતે પગલાં લે છે.
કાનૂની ગાળિયો : IPC હેઠળ કાર્યવાહી માટે દબાણ
IPC કલમ 268: જાહેર જનતાને અડચણ ઉભી કરવી
IPC કલમ 269 અને 270: ચેપી રોગ ફેલાવવાની શક્યતા ઉભી કરવી
IPC કલમ 336/337/338: માનવ જીવનને જોખમમાં મૂકવું
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988: સરકારી નાણાંના દુરુપયોગ મુદ્દે કાર્યવાહી
નાગરિકોની પાંચ મુખ્ય માંગણી
સમગ્ર પ્રોજેક્ટની નિષ્પક્ષ થર્ડ પાર્ટી તપાસ અને ટેકનિકલ ઓડિટ
જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે ઋઈંછ નોંધવી
બિનગુણવત્તાવાળા ચેમ્બરો તોડી નવેસરથી નિર્માણ કરવું
પીવાના પાણીના સ્ત્રોતોની તાત્કાલિક ચકાસણી
પ્રોજેક્ટના નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ



