ભાજપ પાસે બે સ્થાનિક ઉમેદવારો માટે ટિકિટની પ્રબળ માંગ: ટિકિટ નહીં મળે તો અપક્ષ લડાવી જીતાડવાનો હુંકાર
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.8
- Advertisement -
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપમાં ટિકિટ મેળવવા માટે ખેંચતાણ તેજ બની છે. ખાસ કરીને વોર્ડ નં. 8માં આયાતી ઉમેદવારોના વિરોધ વચ્ચે સ્થાનિક દાવેદારોને ટિકિટ આપવાની માંગણી સાથે ‘ભજીયા પાર્ટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્રકૂટ, પંચવટી, નકલંક અને યદુનંદન સહિતની 9 સોસાયટીની મહિલાઓ અને અગ્રણીઓએ એકત્ર થઈને દિનેશભાઈ કૈલા અને લલિતભાઈ કામરીયાને ટિકિટ આપવા માટે હુંકાર કર્યો છે.
તાજેતરમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. આ દરમિયાન વોર્ડ-8ના રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ બંને સ્થાનિક આગેવાનોને ટિકિટ આપવામાં નહીં આવે, તો તેઓને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારીને જંગી બહુમતીથી જીતાડવામાં આવશે. સ્થાનિક રહીશોનો આક્રોશ છે કે દર વખતે આયાતી ઉમેદવારોને થોપવામાં આવે છે, જે હવે સહન કરવામાં આવશે નહીં. ભાજપ હાઈકમાન્ડ આ લોકજુવાળને ધ્યાને લે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું.



