ગીર સોમનાથમાં નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: ડાયાબિટીસ, કેન્સરને નોતરે એવું મસમોટું કૌભાંડ
પામતેલ, યુરિયા અને દૂધ પાઉડરમાંથી દૂધ બનાવી રોજ ડેરીઓમાં સપ્લાય કરાતું હતું, રવી કરમટાને પકડી કાર્યવાહી હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.18
તાલાલાના પ્રેમનગર નેસમાં ડુપ્લીકેટ દૂધ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. મોડી રાત્રે કરાયેલી કાર્યવાહીમાં 3120 લિટર નકલી દૂધ અને તેને બનાવવા માટે વપરાતો 4.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. જૂનાગઢ રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચનાથી કાર્યવાહી કરાઈ હતી. એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા અને પીએસઆઈ આર.એચ. સુવાની આગેવાની હેઠળ એસ.ઓજીના જીગ્નેશગીરી ગૌસ્વામી, કલ્પેશભાઈ કાનાભાઈ અને એલ.સી.બી. શાખાના શોનિશિંગ સ્ટાફે ફૂડ સેફ્ટી ઓફિસર ગીર સોમનાથને સાથે રાખીને દરોડો પાડયો હતો. દરોડો તાલાલાનાં ગુંદરણના પ્રેમનગર નેસમાં રહેતા રવિ કાળાભાઈ કરમટાના રહેણાંક મકાનના વાડામાં પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પામતેલ અને કોઈપણ પ્રકારના લેબલ વગરના સફેદ પાવડરમાંથી નકલી દૂધ બનાવવામાં આવતું હતું. આ પ્રમાણમાં ઉત્પાદિત દૂધ તાલાલાની જુદી જુદી દૂધ ડેરીઓમાં વેચવામાં આવતું હતું. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ ગીર સોમનાથના અધિકારી એસ.એસ. રાવલ અને તેમની ટીમે જરૂરી નમૂના લીધા હતા અને નકલી દૂધ બનાવવાના સરસામાનનો જથ્થો સીઝ કર્યો હતો. સ્થળ પરથી મળી આવેલા મુદ્દામાલમાં 3120 લિટર નકલી દૂધ કિંમત રૂ. 1,65,360,260 કિલો પામતેલ કિંમત રૂ. 46,800, 105 કિલો દૂધ બનાવવાનો પાવડર કિંમત રૂ. 12,180, 16 કિલો અમૂલ મિલ્ક પાવડર કિંમત રૂ. 4,800, ગેસનો ચૂલો, એક મિક્સર, બે સ્ટીલના તપેલા કુલ કિંમત રૂ. 5,000 અને 78 ખાલી દૂધના કેન કિંમત રૂ. 2,34,000નો સમાવેશ થાય છે. કુલ રૂ. 4,68,140નો એક એલપીજી ગેસ સિલિન્ડર, એક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ડુપ્લીકેટ દૂધના દૂધ 3120 લિટરના જથ્થાને પોલિસે નાળામાં ઢોળાવી નાશ કરાવ્યો હતો.પોલીસે આરોપીની અટકાયત કરી છે અને તે કેટલા સમયથી આ ડુપ્લીકેટ દૂધ બનાવતો હતો. અને સ્થાનિક તાલાલામાં કયા કયા સ્થળે વેચાણ કરતો હતો. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. તાલાલા પંથકમાં ડુપ્લીકેટ દૂધના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.
તાલાલાનાં ગુંદરણમાં ઝડપાયેલ નકલી દૂધ બનાવવાનો માલ તાલાલાના સંજય કરિયાણા ભંડારથી સપ્લાય થતો હતો
- Advertisement -
તાલાલા શહેરમાં નકલી દૂધ બનાવવાના માલસામાનના સ્ત્રોત પર પોલીસે દરોડો પાડ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ) દ્વારા નરસિંહ ટેકરી વિસ્તારમાં આવેલી સંજય નામની દુકાન પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડો તાલાલાના ગુંદરણના પ્રેમનગર નેસમાંથી ઝડપાયેલા 3120 લિટર નકલી દૂધના કેસના અનુસંધાનમાં થયો છે. નકલી દૂધ બનાવનાર વ્યક્તિએ પોલીસને આપેલી કેફિયતમાં જણાવ્યું હતું કે તેણે આ માલસામાન તાલાલાની આ દુકાનમાંથી ખરીદ્યો હતો. પોલીસે દુકાનની તલાશી લેતા નકલી દૂધ બનાવવામાં વપરાતો પાવડર અને વનસ્પતિ તેલ સહિતનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વેપારી પાસેથી વિગતો મેળવીને આ જથ્થો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો, જેમણે શંકાસ્પદ માલના નમૂના લઈને સીલ કર્યા હતા.



