જૂનાગઢ ખાસ ખબરના એહવાલ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દોડતું થયું
ફૂડ એન્ડ સેફ્ટી અને એસઓજી ટીમ દ્વારા ડુપ્લિકેટ દૂધ બાબતે સયુંક્તમાં ચેકિંગ
- Advertisement -
શક્તિ ડેરી માંથી દૂધના નમૂના એકત્ર કરી ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલ્યા
ડુપ્લિકેટ દૂધની ફરિયાદો મળશે તેની સામે કડક હાથે કામગીરી કરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લેરિયા ગામેથી આવતા એક દૂધના ટેન્કરને શહેરના કાળવા ચોક નજીકથી સામાજિક આગેવાન દ્વારા પકડી પાડીને સી.ડિવિઝન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યું હતું. અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને જાણ કરી હતી પણ તેમની પાસે ટેસ્ટિંગ કીટ ના હોવાના કારણે પોલીસ સ્ટેશન ખાતે જાતે ટેસ્ટ કર્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે, આ દૂધ શંકાસ્પદ અને ભેળસેળ યુક્ત છે.
આ દૂધનું ટેન્કર ઝાડપાયાં બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું હતું અને એસઓજી પીઆઇ આર.કે. પરમાર અને તેમની ટિમ દ્વારા કેશોદની શ્રી શક્તિ ડેરી એન્ડ સીલિંગ સેન્ટર ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. અને વધુ જણાવ્યું હતું કે, જેમ જેમ ફરિયાદ મળશે તે ડેરી અથવા દૂધનો વ્યવસાય કરનાર સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે.
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે ભેળસેળિયા તત્વો બેફામ બન્યા હોઈ તે એક પછી એક સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે સીધી રીતે જોડાયેલા દૂધ જેવા પવિત્ર વ્યવસાયમાં ઝેર ભેળવવાનું પાપ આચરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં વિસાવદરના લેરીયા ગામેથી નીકળેલું અને જૂનાગઢ શહેરના કાળવા ચોક નજીક અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે પકડાયેલું શંકાસ્પદ દૂધનું ટેન્કર અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ ઘટનાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી અને સરકારની શુદ્ધ આહારની નીતિઓ સામે મસમોટા સવાલો ખડા કર્યા છે.
વિસાવદર પંથકમાંથી એક ટેન્કર શંકાસ્પદ દૂધ ભરીને જૂનાગઢની ડેરીમાં ઠાલવવા જઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે, ક્ષત્રિય નેતા અને જાગૃત નાગરિક યુવરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. જૂનાગઢના કાળવા ચોક પાસે આ ટેન્કરને આંતરીને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યું હતું. યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે આ દૂધ માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે અને તેમાં જીવલેણ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આશ્ચર્ય અને આઘાતની વાત તો ત્યારે સામે આવી જ્યારે ઘટનાસ્થળે પહોંચેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પાસે દૂધ તપાસવાની પ્રાથમિક કીટ પણ ઉપલબ્ધ નહોતી. તંત્ર જ્યારે લાચાર જણાયું ત્યારે આપના સ્થાનિક નેતાઓ અને યુવરાજસિંહની ટીમે પોતાની પાસે રહેલી ખાનગી ટેસ્ટિંગ કીટ વડે દૂધની તપાસ કરી હતી. આ 8 હજાર લીટર ભરેલું દૂધના ટેસ્ટિંગમાં ભેળસેળ યુક્ત હોવાના આક્ષેપ કર્યા હતા. જ્યારે આ ભેળસેળ અંગે ફૂડ ઓફિસરને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે અત્યંત બિનજવાબદાર જવાબો આપ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, નિયમ મુજબ રિપોર્ટ 14 દિવસે આવવો જોઈએ, પરંતુ લેબોરેટરીમાં કામના ભારણને કારણે રિપોર્ટ આવતા 6 મહિના જેટલો સમય લાગી શકે છે! આ ઉપરાંત, ભેળસેળની તપાસ માટેની મોબાઈલ વાન કેમ નથી? તેવા સવાલના જવાબમાં વાન રિપેરીંગમાં છે. તેવું લૂલું બહાનું કાઢવામાં આવ્યું હતું.
આ ટેન્કર પકડાયા બાદ પોલીસ વિભાગ હરકતમાં આવ્યો હતો. જૂનાગઢ ફૂડ અને સેફટી વિભાગ સાથે એસઓજી પીઆઇ આર.કે. પરમાર અને તેમની ટીમ દ્વારા કેશોદ સ્થિત શ્રી શક્તિ ડેરી એન્ડ સીલિંગ સેન્ટર ખાતે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને ફૂડ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ડેરીમાંથી દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને હવે અધિકૃત લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એસઓજી પીઆઇએ જણાવ્યું હતું કે, જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ તત્વને છોડવામાં આવશે નહીં. જે જે ડેરીઓ કે દૂધ વિક્રેતાઓ સામે ફરિયાદ કે શંકા મળશે, ત્યાં કડક હાથે કામગીરી કરવામાં આવશે.



