સુરત ખાતે યોનેક્સ-સનરાઈઝ ગુજરાત રાજ્ય માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ
રાજ્યસ્તરે ઝળહળ્યા રાજકોટના ખેલાડીઓ, હવે નેશનલ ચેમ્પિયનશિપમાં કરશે પડકાર
- Advertisement -
મેન્સ ડબલ્સ 35+ કેટેગરીમાં હાર્દિક ચોપડા અને મહુલ સોલંકી વિજેતા
વિજેતા ખેલાડીઓ હવે ગોવામાં યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તાજેતરમાં સુરત શહેરમાં યોનેક્સ-સનરાઈઝ ગુજરાત રાજ્ય માસ્ટર્સ (વેટેરન) બેડમિન્ટન સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના અનુભવી અને પ્રતિભાશાળી ખેલાડીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રાજકોટના ખેલાડીઓએ પણ શાનદાર રમત દેખાડીને પોતાનું ખાસ સ્થાન બનાવ્યું હતું. સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે +35 થી +70 સુધીની કુલ 8 વિવિધ વય કેટેગરીઝમાં મુકાબલા યોજાયા હતા. સિંગલ્સ, ડબલ્સ તેમજ મિક્સડ ડબલ્સ જેવા વિવિધ ઇવેન્ટ્સમાં કુલ 468 એન્ટ્રીઓ નોંધાઈ હતી, જે રાજ્યમાં માસ્ટર્સ બેડમિન્ટન પ્રત્યે વધતી જતી લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. અનુભવી ખેલાડીઓએ પોતાની કુશળતા, ફિટનેસ અને રમત પ્રત્યેના સમર્પણ દ્વારા દર્શકોને રોમાંચિત કર્યા હતા. રાજકોટના ખેલાડીઓએ પણ ઉત્તમ પ્રદર્શન કરી રાજ્યકક્ષાની સ્પર્ધામાં શહેરનું ગૌરવ વધાર્યું હતું.
ગુજરાત માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં રાજ્યભરના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભા અને રમતિયાળતા દર્શાવી હતી. ટૂર્નામેન્ટ દરમિયાન વિવિધ એજ ગ્રુપમાં રમાયેલી સ્પર્ધાઓમાં અનેક ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરી વિજેતા અને રનર્સ અપ પોઝિશન મેળવી રમતપ્રેમીઓમાં ખુશીની લાગણી જગાવી હતી. મેન્સ ડબલ્સ એજ ગ્રુપ 45-50 કેટેગરીમાં તુષાર કથરેચા અને ડેનિશ પટેલે ઉત્તમ રમત રજૂ કરીને રનર્સ અપ પોઝિશન મેળવી હતી. બંને ખેલાડીઓએ સ્પર્ધા દરમિયાન મજબૂત ટીમવર્ક અને સચોટ રમત દ્વારા પ્રેક્ષકોને રોમાંચિત કર્યા હતા. તેમજ 60+ મેન્સ ડબલ્સ કેટેગરીમાં દોલતસિંહ ડોડિયાએ શાનદાર પ્રદર્શન કરીને વિજેતા બનવાનો ગૌરવ મેળવ્યો હતો. વધુમાં તેઓએ મેન્સ સિંગલ્સ સ્પર્ધામાં પણ ઉત્તમ રમત રજૂ કરીને રનર્સ અપ સ્થાન મેળવી દ્વિગુણ સફળતા પ્રાપ્ત કરી હતી, જે તેમના અનુભવી ખેલાડી તરીકેની ક્ષમતા દર્શાવે છે. આ ઉપરાંત ઓપન ગુજરાત માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેત્રટની મેન્સ ડબલ્સ 35+ કેટેગરીમાં હાર્દિક ચોપડા અને મહુલ સોલંકીએ ઉત્તમ રમત દર્શાવી વિજેતા બનવાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. બંને ખેલાડીઓએ સમન્વય અને ઝડપભરી રમત દ્વારા પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપી ચેમ્પિયન બનવામાં સફળતા મેળવી હતી. ગુજરાત માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટ ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક બની રહી છે. વિવિધ વય જૂથના ખેલાડીઓના ઉત્સાહ અને પ્રતિસ્પર્ધાત્મક ભાવનાએ ટૂર્નામેન્ટને વધુ રોમાંચક બનાવી હતી. વિજેતા અને રનર્સ અપ બનેલા તમામ ખેલાડીઓને રમતપ્રેમીઓ અને સંગઠકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને હવે રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે. પસંદગી પામેલા ખેલાડીઓ 18 થી 25 માર્ચ દરમિયાન ગોવા ખાતે યોજાનારી 48મી યોનેક્સ-સનરાઈઝ ઇન્ડિયન માસ્ટર્સ (વેટેરન) નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સ 2025-26માં ભાગ લેશે. આ સ્પર્ધા દ્વારા રાજ્યના વરિષ્ઠ ખેલાડીઓને પોતાનું રમતિયાળ કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ મળ્યો છે. સાથે જ યુવા ખેલાડીઓ માટે પણ આ ખેલાડીઓ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વધતી સિદ્ધિઓને કારણે ગુજરાતમાં બેડમિન્ટન રમત પ્રત્યેનો ઉત્સાહ સતત વધતો જોવા મળી રહ્યો છે.



