6 દિવસમાં બીજી મોટી કાર્યવાહી
શ્રીલંકાના રજિસ્ટ્રેશનવાળી બોટમાં 4 ઈરાની નાગરિકોની ધરપકડથી હલચલ
- Advertisement -
‘મધર બોટ’ અને ‘મિડ-સી ટ્રાન્સફર’ જેવી નવી મોડસ ઓપરેન્ડીથી એજન્સીઓ હાઈ-અલર્ટ પર
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો આંતરરાષ્ટ્રીય દાણચોરીના નેટવર્ક માટે સંવેદનશીલ બની રહ્યો છે. દ્વારકાથી 115 નોટિકલ માઈલ દૂર ભારતીય આર્થિક ક્ષેત્ર (ઊઊણ)માં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ઈરાની બોટને અટકાવી તપાસ કરતા તેમાંથી અંદાજે ₹5 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટના 200 કાર્ટન (એક લાખ પેકેટ) મળી આવ્યા છે. આ મામલે બોટમાં સવાર 4 ઈરાની નાગરિકોની ધરપકડ કરી પોરબંદર ખાતે સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ બોટ ઈરાન તરફથી આવી હતી પરંતુ તેનું રજીસ્ટ્રેશન શ્રીલંકાના કોલંબોમાં થયેલું છે. દાણચોરો હવે એજન્સીઓને ગુમરાહ કરવા માટે ત્રીજા દેશના રજીસ્ટ્રેશન અને ખોટી ઓળખનો સહારો લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના માત્ર 6 દિવસ અગાઉ જ નશીલા પદાર્થોની મોટી ખેપ ઝડપાઈ હતી. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના દરિયામાંથી ₹5000 કરોડથી વધુનું ડ્રગ્સ અને ગેરકાયદે માલ જપ્ત થયો છે, જે સુરક્ષા વ્યવસ્થા માટે ગંભીર પડકાર છે.
સુરક્ષા એજન્સીઓના મતે દાણચોરો હવે ‘મધર બોટ’ પદ્ધતિ અપનાવી રહ્યા છે, જેમાં મોટી વિદેશી બોટ મધદરિયે આવી સ્થાનિક નાની બોટોને માલ સોંપી પરત ફરી જાય છે. ઈરાનના ચાબહાર અને બંદર અબ્બાસથી નીકળતી આ ખેપો અરબ સાગર ખેડીને સૌરાષ્ટ્રના કિનારે પહોંચે છે. પોરબંદર, દ્વારકા અને ઓખા જેવા વિસ્તારો માછીમારીની બોટોની ગીચતાને કારણે તસ્કરોના સોફ્ટ ટાર્ગેટ બન્યા છે. હાલમાં દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા ડ્રોન સર્વેલન્સ અને ટેકનોલોજી આધારિત નજર વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
- Advertisement -
ગુજરાત દરિયાઈ સુરક્ષા: છેલ્લા વર્ષોની સૌથી મોટી કાર્યવાહી
માર્ચ 2025: 300 કિલો નશીલા પદાર્થો સાથે સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની અને ઈરાની બોટ ઝડપાઈ.
એપ્રિલ 2024: 86 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટ ઝડપી પાડી, જેની કિંમત કરોડોમાં હતી.
સપ્ટેમ્બર 2023: ₹2,000 કરોડથી વધુની કિંમતનું 350 કિલો ’મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ જપ્ત કરાયું
ફેબ્રુઆરી 2022: ₹1,300 કરોડનું 280 કિલો હેરોઈન ભારતીય એજન્સીઓએ મધદરિયેથી ઝડપી લેવાયું
સપ્ટેમ્બર 2021: મુંદ્રા પોર્ટ પરથી અંદાજે ₹21,000 કરોડનું 3000 કિલો હેરોઈન જપ્ત કરાયું



