શ્રીરામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ અને હરિવંદના કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઉનાળાની તાપમાનભરી ઋતુમાં પક્ષીઓ માટે પાણી અને આહારની તંગી ન સર્જાય તે હેતુથી શ્રીરામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ અને હરિવંદના કોલેજના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2026 દરમિયાન સમગ્ર ઉનાળામાં પક્ષી સંવર્ધન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અભિયાન અંતર્ગત આકર્ષક બાંધણીવાળા કુંડા, માળા, સિમેન્ટની નાની કુંડી તથા ફિડરનું શહેરના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. 15 ફેબ્રુઆરીના રોજ કે.કે.વી. ચોક, કોટેચા ચોક અને કિશાનપરા ચોક ખાતે સાંજે 5 વાગ્યે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત કાલાવડ રોડ પર એ.જી. ચોક નજીક આવેલા ચમત્કારિક હનુમાનજી મંદિરે પણ કુંડા અને ફિડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મહામંત્રી લલિતભાઈ વાડોલિયા, યોગેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, ઉંખઉં ગ્રુપના મયૂરધ્વજસિંહ જાડેજા, યુવા ભાજપ મહામંત્રી જયકિશન ઝાલા, કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, હરિવંદના કોલેજના ટ્રસ્ટી મહેશભાઈ ચૌહાણ, વોર્ડ નં. 10ના મહામંત્રી મનીષભાઈ ડેડકિયા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટી ઓમભાઈ છાયા અને ભરતસિંહ જાડેજાએ અભિયાન અંગે માહિતી આપી હતી.
શ્રીરામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા અને માનવ સેવા માટે ચાલતી વિવિધ સેવાકિય પ્રવૃતિ
શ્રીરામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા અને માનવ સેવા માટે ચાલતી વિવિધ સેવાકિય પ્રવૃતિ કરવામાં આવે છે. જેમાં રાજકોટની બહારના વિસ્તારમાં કે જયાં રસ્તે-રઝડતા શ્વાનોને ખોરાક મળવો અશકય સમાન છે ત્યાં ટ્રસ્ટની રીક્ષા ચાલી રહી છે, જેના દ્વારા શ્વાનોને ભોજન મળી રહ્યું છે. દર વર્ષે કુંડા, માળા, બર્ડ ફીડર લગાડી તેમા નિયમિત પાણી ભરી સાફ સફાઈ કરી રહ્યાં છે, ગાયો અને શ્વાનો માટે પાણીની કુંડી તથા અવેડા જેવી મોટી કુંડી મૂકી નિયમીત સાફ સફાઈ રાખી તેમા પાણી ભરવામાં આવે છે, બારે મહિના શહેરની બહારના વિસ્તારમાં ફીડર લગાડીને તેમાં કાંગ ભરી રહ્યા છીએ, કીડીને બારે મહિના કીડીયારૂ પુરવામાં આવે છે, ઉનાળાની સિઝનમાં ધોમધખતા તાપમાં ટ્રક, ટ્રેકટર, રીક્ષા ચલાવતા મજૂરોને છાશ-પાણી પીવડાવવામાં આવે છે, રાજકોટના નિશ્ચિત કરેલા વિસ્તારમાં રહેતા નિરાધાર અને નિ:સહાય વડીલો તેમજ કેન્સર તથા કિડની વગેરે રોગોથી પીડિતો માટે 365 દિવસ નિ:શુલ્ક ટિફિન સેવા અપાઈ રહી છે. આ ઉપરાંત જ્યાં ટિફિન સેવા અપાઈ રહી છે એ જરૂરિયાતમંદ વડીલોને મેડિકલ સહાય, દવા વગેરે પણ અપાઈ છે. શિયાળાની કડકડતી ઠંડીમાં થરથરતા લોકોને ધાબળા વિતરણ કરવામાં આવે છે. તહેવારો નિમીતે જરૂરીયાતમંદ પરીવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે.
- Advertisement -
રાજકોટમાં આટલી જગ્યાએ થશે વિતરણ
તારીખ સ્થળ
15/2-21/2 કેકેવી ચોક, કોટેચા ચોક, કિસાનપરા
23/2-28/2 રામકૃષ્ણ આશ્રમ, વિરાણી ચોક, વૈશાલીનગર રોડ (ચબૂતરો)
2/3-7/3 એ.જી.ચોક, દુજ્ઞ હવેલી પાસે, રાજ પેલેસ સાધુ વાસવાણી રોડ
9/3-14/3 નાણાવટી, માધાપર, રેલનગર, ગુલમહોર પ્લાઝા
16/3-21/3 રૈયા ટેલિફોન એક્સચેન્જ, રાણી ટાવર, સ્વામિનારાયણ મંદિર
23/3-28/3 બાલભવન, ચૌધરી હાઇસ્કૂલ પાસે, ત્રિકોણબાગ
30/3-4/4 બાપા સીતારામ ચોક (મવડી), મવડી મેઈન રોડ, નાનામવા
6/4-11/4 નિર્મલા રોડ, પટેલ ચોક, રાજનગર ચોક
લોધિકાના બાલસર ગામે નિરાધાર અને ઘાયલ ગૌવંશ માટે આધુનિક સારવાર કેન્દ્ર
શ્રીરામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના બાલસર ગામ ખાતે ગૌપ્રેમી દાતા રણજીતસિંહ નટવરસિંહ જાડેજા (વાગુદડ) દ્વારા અપાયેલ 2 એકર જમીનમાં ભવ્ય ગૌશાળા તથા ગૌવંશ માટે આધુનિક હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા નિર્મિત હોસ્પિટલમાં રસ્તે રઝળતા, નિરાધાર, બીમાર અને રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા નાના-મોટા ગૌવંશને વિનામૂલ્યે સારવાર અને ઓપરેશનની સુવિધા આપવામાં આવશે. કુલ 24,800 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં વિકસિત આ હોસ્પિટલમાં મુખ્ય પ્રવેશદ્વાર, આધુનિક ઓફિસ, લેબોરેટરી, ઓ.પી.ડી. વિભાગ, વિશાળ રિકવરી શેડ, આર.સી.સી. ગોડાઉન, કર્મચારીઓ માટે ક્વાર્ટર, પાણીનો ટાંકો, કમ્પાઉન્ડ વોલ, બોરવેલ તેમજ સમગ્ર પરિસર સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ છે. આધુનિક સારવાર કેન્દ્રમાં નિરાધાર ગૌવંશ માટે નિ:શુલ્ક સારવાર, ઓપરેશન થિયેટર, વજનદાર પશુઓને ઉચકવા માટે હાઈડ્રોલિક એમ્બ્યુલન્સ, વેટરનરી ઓફિસર અને કેરટેકર સ્ટાફ, લાઈફ સપોર્ટ સિસ્ટમ તથા 24 કલાક એમ્બ્યુલન્સ હેલ્પલાઈન જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. હાઈવે પર અકસ્માતગ્રસ્ત ગૌવંશને સ્થળ પર સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા પક્ષી સંવર્ધન અને ગૌસેવા જેવા માનવતાવાદી કાર્યોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે સમાજમાં જીવદયા અને પર્યાવરણ જાગૃતિ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.



