ફરિયાદી આરોપીને કોર્ટમાં ઓળખી પણ ન શક્યા: નાણાકીય સ્ત્રોત પુરવાર ન થતા કોર્ટનો મહત્વનો ચુકાદો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના અમરનગર મેઈન રોડ પર સપના ફોર્જીંગમાં નોકરી કરતા ગીરીશ છગનભાઈ પાંચાણી દ્વારા ગોપાલ ઓઈલના માલિક રોહિત મનજીભાઈ પોકર સામે નોંધાવવામાં આવેલ રૂા. 12,00,000/- નો ચેક રીટર્નનો કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા, અદાલતે આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ, ફરિયાદીએ એવી રજૂઆત કરી હતી કે આરોપીને ધંધાના વિકાસ માટે રૂા. 12 લાખની જરૂરત હોવાથી આ રકમ ઉછીની આપી હતી. જેના બદલામાં આરોપીએ આપેલો ચેક બેંકમાંથી પરત ફરતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન આરોપી તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદી પોતે સપના ફોર્જીંગના માલિક મુકેશ હીરાણી પાસે મેતાજી તરીકે નોકરી કરે છે. મુકેશભાઈ હીરાણી ધીરધારનું લાયસન્સ ધરાવે છે અને વર્ષ 2017માં આરોપીના ભાઈએ લીધેલ રૂા. 5 લાખના વ્યવહાર વખતે સિક્યુરિટી પેટે પરિવારના ચાર ચેકો લીધા હતા. આ વ્યવહાર પૂર્ણ થઈ ગયો હોવા છતાં, તે ચેકોનો દુરુપયોગ કરી મોટી રકમ ભરીને ખોટી ફરિયાદ કરવામાં આવી છે.અદાલતે નોંધ્યું હતું કે ફરિયાદી 12 લાખ જેવી મોટી રકમનો કોઈ સ્ત્રોત પુરવાર કરી શક્યા નથી. વધુમાં, ફરિયાદીએ કોર્ટમાં આરોપીને ઓળખવાનો દાવો કર્યો હોવા છતાં તેઓ હાજર આરોપીને ઓળખી શક્યા નહોતા. ઉલટતપાસમાં બહાર આવ્યું કે ફરિયાદી અને આરોપી વચ્ચે ક્યારેય કોઈ ટેલિફોનિક વાતચીત કે નાણાકીય વ્યવહાર થયો નહોતો. અદાલતે માન્યું કે ચેક કાયદેસરના લેણાં પેટે આપવામાં આવ્યો હોવાનું સાબિત થતું નથી અને ચેકનો દુરુપયોગ થયો હોવાની આરોપીની દલીલ ગ્રાહ્ય રાખી રોહિત પોકરને નિર્દોષ મુક્ત કર્યા હતા.
આ કેસમાં આરોપી રોહિત પોકર વતી જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવિન ખુંટ, સાહિલ કંટારીયા તથા મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા અને રાહીલ ફળદુ રોકાયેલ હતા.



