દેશમાં કેસના અસહ્ય ભારણથી દબાયેલી જિલ્લા અદાલતોમાં પ્રતિ 10 લાખની વસ્તી પર માત્ર 22 જજ છે, જ્યારે કાયદા પંચ અને બંધારણીય બેંચના નિર્ણય પ્રમાણે 2007 સુધીમાં જ 50 જજો હોવા જોઈએ. એટલું જ નહીં બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં જજ અને વસતીનો ગુણોત્તર રાષ્ટ્રીય સરેરાશ 22 કરતા પણ ઓછો છે. આ સ્થિતિ 2011ની વસ્તી ગણતરીના ડેટાના હિસાબથી છે, જ્યારે દેશની વર્તમાન વસ્તી પ્રમાણે આ સરેરાશ ઘણી ઓછી હોઈ શકે છે. આવી સ્થિતિમાં દેશમાં ઝડપી ન્યાય કેવી રીતે થશે. આનો ખુલાસો કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટાના વિશ્લેષણથી થયો છે. આ આંકડો ભારતીય ન્યાયતંત્રની સૌથી મોટી નબળાઈ તરફ આંગળી ચીંધે છે.
કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશભરની જિલ્લા અદાલતો માટે જજોની મંજૂર સંખ્યા 25,439 છે અને આમાંથી લગભગ 5,000 જગ્યાઓ ખાલી છે. 2011ની વસતી ગણતરીના ડેટા અને દેશમાં ન્યાયાધીશોની વર્તમાન મંજૂર સંખ્યાના આધારે, કાયદા મંત્રાલયે અંદાજ લગાવ્યો છે કે, જિલ્લા અદાલતોમાં પ્રતિ 10 લાખની વસ્તી પર 22 જજ છે. 2011માં દેશની વસ્તી લગભગ 121 કરોડ હતી, જ્યારે હાલમાં 140 કરોડથી વધુ વસ્તીનો દાવો કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
કાયદા પંચે 1987 એટલે કે 38 વર્ષ પહેલાં પોતાના 12માં રિપોર્ટમાં પ્રતિ 10 લાખ વસ્તી પર જજની સંખ્યા 50 કરવાની ભલામણ કરી હતી, જેથી અદાલતોમાં કેસોનું ભારણ વધવાના બદલે નાગરિકોને ઝડપી ન્યાય મળે. સુપ્રીમ કોર્ટે 2002માં ઓલ ઈન્ડિયા જજીસ એસોસિએશન vs ભારત સરકારના કેસમાં આપેલા ચુકાદામાં કાયદા પંચની ભલામણ પ્રમાણે 2007 સુધીમાં દેશમાં પ્રતિ 10 લાખની વસ્તી પર 50 જજ નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ચીન અને અમેરિકા કરતા ઘણું પાછળ છે ભારત
વસ્તી અને જજના ગુણોત્તરના મામલે ભારત ચીન, અમેરિકા અને યુરોપિયન દેશોથી ઘણું પાછળ છે. એક રિપોર્ટ પ્રમાણે ચીનમાં જ્યાં પ્રતિ 10 લાખની વસ્તી પર 300 જજ છે, ત્યારે બીજી તરફ અમેરિકામાં 150 જજ છે. જ્યારે યુરોપિયન દેશોમાં પ્રતિ 10 લાખની વસ્તી પર 220 જજ છે.
- Advertisement -
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની સ્થિતિ
કાયદા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં પ્રતિ 10 લાખની સંખ્યા પર જજની સંખ્યા 0.028 છે, જ્યારે હાઈકોર્ટમાં તે 0.92 છે. સુપ્રીમ કોર્ટમાં જજોની મંજૂર સંખ્યા 34 છે, અને હાલમાં 33 જજ સેવારત છે. જ્યારે હાઈકોર્ટમાં જજોની મંજૂર સંખ્યા 1,122 છે અને લગભગ 300 જગ્યાઓ ખાલી છે.
પ્રમુખ રાજ્યોમાં પ્રતિ 10 લાખ વસ્તી પર જજની સંખ્યા
- બિહાર – 19.45
- ઉત્તર પ્રદેશ – 18.52
- ઝારખંડ – 21.43
- ઉત્તરાખંડ – 29.55
- દિલ્હી – 53.43
- પશ્ચિમ બંગાળ – 12.05
- મધ્ય પ્રદેશ – 27.92
- ગુજરાત – 28.46
- આસામ – 15.54
- મિઝોરમ – 67.44




