રંગીલા રાજકોટમાં ક્રિકેટ ફીવર નિરંજન શાહ સ્ટેડિયમમાં 14મી જાન્યુઆરીએ વન-ડે
ભારતીય ટીમ સયાજી અને ન્યૂઝીલેન્ડની ટીમ ફોર્ચ્યુન હોટેલમાં રોકાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મકરસંક્રાંતિના રજાને દિવસે જ મેચ હોવાથી ઉત્સાહ બેવડાયો છે અને ટિકિટના વેચાણને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે રાજકોટ અને ન્યૂઝીલેન્ડની ટીમો આજે રાજકોટ આવી જશે અને કાલે 13મીએ બપોરે ન્યૂઝીલેન્ડની ટીમ અને સાંજે ફ્લડલાઇટમાં ભારતની ટીમ નેટ પ્રેક્ટિસ કરવાની હોવાનું જાણવા મળે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ 3 વન-ડે રમાવાના છે. જેમાં પ્રથમ વન-ડે 11મી જાન્યુઆરીએ વડોદરા ખાતે રમાઇ હતી જેમાં ભારતનો વિજય થયો હતો. બીજી વન-ડે 14મી જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ખાસ વિમાનમાં આજે રાજકોટ આવી પહોંચશે અને ભારતીય ટીમ સયાજી હોટેલમાં અને ન્યૂઝીલેન્ડની ટીમ ફોચ્ર્યુન હોટેલમાં રોકાણ કરશે. ટેસ્ટ અને ટી-20માંથી નિવૃત્તિ લઇ લેનારા ભારતીય ટીમના મહાન ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી આ મેચમાં રમવાના હોવાથી તેનું સૌથી વધુ આકર્ષણ રહેશે.
આ ઉપરાંત કેપ્ટન શુભમન ગિલ, કે.એલ.રાહુલ અને રૂષભ પંત સહિતના ખેલાડીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો નિર્ધારિત શેડ્યૂલ મુજબ 12મીએ હોટેલમાં આરામ કરશે અને 13મીએ નેટ પ્રેક્ટિસ કરશે. ન્યૂઝીલેન્ડની ટીમ બપોરે 1.30થી 4 વાગ્યા સુધી અને ભારતીય ટીમ સાંજે 5.30 થી 8 વાગ્યા સુધી નેટ પ્રેક્ટિસ કરશે. આ વન-ડે મેચ ડે-નાઇટ રહેવાનો છે.
આથી તેમાં સૌરાષ્ટ્રભરના પતંગ અને ક્રિકેટપ્રેમીઓ મોટી સંખ્યામાં ઊમટી પડશે અને બન્નેની મજા લઇ શકશે.



