વાયબ્રન્ટ જેવી મહત્ત્વની ઇવેન્ટ સમયે આ પ્રકારની જાહેરાત એ સંયોગ કે બીજું કાંઈ?
મોદી જ્યાંથી પસાર થવાના છે તે આમ્રપાલી અંડરપાસ પર લાગ્યું હોર્ડિંગ ‘યે ગધા હૈ’
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા અને લોકોની જીભે માત્ર એક જ હોર્ડિંગ ચર્ચાઈ રહ્યું છે. શહેરના આમ્રપાલી અંડરપાસની બરાબર ઉપર લાગેલું એક મોટું હોર્ડિંગ જેના પર હસતા ગધેડાના ચિત્ર સાથે લખ્યું છે – ‘યે ગધા હૈ’. આ હોર્ડિંગ જોતા તો એવું લાગી રહ્યુ છે કે રાજકોટમાં મોદી પધારવાના છે ત્યારે ‘સ્વાગત’ અને ‘વ્યંગ’ વચ્ચેની જાણે ભેદરેખા જ ભૂંસાઈ ગઈ છે. સામાન્ય રીતે પ્રધાનમંત્રીના રૂટ પર ‘સ્વાગતમ’ કે ‘વિકાસ કામો’ના હોર્ડિંગ્સ હોય છે, પરંતુ ‘યે ગધા હૈ’ જેવા ટાઇટલ સાથે લખેલા અજીબોગરીબ હોર્ડિંગે અણગમા સાથે ચર્ચા જગાવી દીધી છે.
રૈયા રોડ પરથી પસાર થતાં રાહદારીઓ, વાહનચાલકો અને આસપાસના વેપારીઓ પણ આ પોસ્ટર સામે બે ક્ષણ ઊભા રહીને વિવિધ અર્થઘટન કરતાં જોવા મળે છે. લોકો વિચારી રહ્યા છે કે, આ જાહેરાત કોઈ બ્રાન્ડ-કંપનીની છે કે પછી સત્તાપક્ષ પર કરાયેલો સીધો કટાક્ષ? ખાસ કરીને આ ધ્યાન ખેંચવાનો ખેલ છે કે વડાપ્રધાનના રોડ શોના રૂટ પર જ જાણી જોઈને આવું હોર્ડિંગ હોવું એ માત્ર સંયોગ છે કે કોઈની સોશિયલ એન્જિનિયરિંગની કરામત? જો કે, આ હોર્ડિંગ્સમાં સ્ટે કનેક્ટેડ… લખેલું છે એટલે હવે થોડા સમય પછી આ હોર્ડિંગ્સની જગ્યાએ બીજું હોર્ડિંગ્સ મુકાય ત્યારે જ સાચો ખ્યાલ આવી શકે. જોકે વડાપ્રધાન પસાર થાય તે પહેલા આ ‘ગધા’ વાળું હોર્ડિંગ હટશે કે કેમ, તે હવે જોવાનું રહ્યું.
રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ જેવી મહત્વની ઇવેન્ટ હોય અને દેશના પ્રધાનમંત્રીનો જ્યારે રાજકોટમાં રોડ શો થઇ રહ્યો ત્યારે આ પ્રકારનું હોર્ડિંગ કોણે લગાવ્યું અને મંજૂરી કેમ મળી તે પણ એક સવાલ છે. જ્યારે અનેક લોકો તો એવું પણ જણાવી રહ્યા છે કે તક તપાસી આ હોર્ડિંગ જાણી જોઇને જ લગાવવામાં આવ્યું છે. હાલ તો આ અંગે કશું સ્પષ્ટ કહી શકાય નહીં પરંતુ વડાપ્રધાન મોદી જ્યારે રાજકોટના મહેમાન બનવાના હોય અને જે રૂટ પરથી પસાર થવાના હોય ત્યાં આ પ્રકારના હોર્ડિંગ વિવાદનો મધપૂડો છેડી શકે છે અને શહેરની આબરૂ પણ ઘટી શકે છે.



