14થી 18 વર્ષના 370થી વધુ યુવક-યુવતીઓ લેશે ભાગ
સચોટ પરિણામ માટે દોડવીરોના પગમાં ચિપ્સ અને સીસીટીવી કેમેરાથી થશે મોનિટરિંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
રાજ્યના યુવાનોમાં સાહસ અને શૌર્યના ગુણો કેળવાય તે હેતુથી ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ દ્વારા આવતીકાલે તા. 30-12-2025 ના રોજ ચોટીલા ડુંગર ખાતે ભવ્ય આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી જુનિયર વિભાગના 14 થી 18 વર્ષની વયના કુલ 371 સ્પર્ધકો પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. સવારે 7:00 વાગ્યે સ્પર્ધાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. હાઈટેક ટેકનોલોજીથી લેવાશે સમયની નોંધ સ્પર્ધામાં પારદર્શિતા અને સચોટતા જાળવવા માટે આ વર્ષે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. રમત-ગમત અધિકારી ભરતસિંહ ગોહિલના જણાવ્યા મુજબ, દરેક સ્પર્ધકના પગમાં વિશેષ ’ચિપ્સ’ ફિટ કરવામાં આવશે. આ ચિપ્સ દ્વારા સ્પર્ધક જ્યારે દોડ શરૂ કરશે અને પૂર્ણ કરશે ત્યાં સુધીનો સમય સેક્ધડના સોમા ભાગની ચોકસાઈ સાથે નોંધાશે. આ ઉપરાંત, સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરા દ્વારા સતત સુપરવિઝન રાખવામાં આવશે જેથી કોઈ ભૂલને અવકાશ ન રહે. યુવા શક્તિ માટે પ્રેરણારૂપ આયોજન છેલ્લા 6 વર્ષથી નિયમિતપણે યોજાતી આ સ્પર્ધામાં આ વર્ષે 253 યુવકો અને 118 યુવતીઓએ નોંધણી કરાવી છે. ડુંગર પર ચઢવા અને ઉતરવાની આ કઠિન સ્પર્ધા યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેનું ઉત્તમ માધ્યમ બની રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા સ્પર્ધકોની સુરક્ષા અને સુવિધા માટે ડુંગર પર ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આવતીકાલે ચોટીલાનો ડુંગર યુવા સાહસિકોના જોશ અને ઉત્સાહથી ગુંજી ઉઠશે.



