10 એકર સરકારી જમીન પર ફેલાયેલી બે હોટલો પર બુલડોઝર ફરી વળ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
- Advertisement -
ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી બે હોટલો સામે ચોટીલા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાની મોલડી ગામની નજીક આવેલી “ન્યુ નાગરાજ હોટલ” તેમજ “જય વડવાળા” હોટલના માલિકોએ કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી, આધાર પુરાવા કે લીઝ વિના સરકારી જમીનમાં દબાણ કરી હોટલોનું બાંધકામ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ ગેરકાયદેસર બાંધકામ ધરાવતી હોટલોમાં અસામાજિક પ્રવૃતિ થતી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે ચોટીલા પોલીસ સ્ટેશનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સ્થળ પર પહોંચી જેસીબી મશીનની મદદથી બંને હોટલો તોડી પાડવાની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 10 એકર જેટલી કિંમતી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ બન્ને હોટલોમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂની હેરાફેરી, પેટ્રોલ-ડીઝલ તથા કેમિકલની ચોરી, તેમજ અન્ય અનેક અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. જેના કારણે નેશનલ હાઈવે પરથી પસાર થતા મુસાફરો તેમજ આસપાસના ગ્રામજનો માટે સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો. ઉલ્લેખનીય છે કે હોટલ માલિકોએ સરકારી જમીનમાં બાંધકામ કરવા માટે કોઈપણ પ્રકારની કાયદેસર પરવાનગી કે દસ્તાવેજો રજૂ કર્યા ન હતા, જે સ્પષ્ટ રીતે જમીન દબાણ અને કાયદાના ભંગનો કેસ બને છે. ચોટીલા પોલીસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરકારી જમીન પર દબાણ, ગેરકાયદેસર બાંધકામ તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ સામે આગામી સમયમાં પણ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.



