પ્રદેશ ભાજપ સંગઠનના નવનિયુક્ત હોદેદારોએ જવાબદારી સંભાળી
ઈખ, ઉુઈખ અને વિશ્ર્વકર્મા સાથે નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક યોજાઇ
- Advertisement -
પાટિલ અને આનંદીબેન જૂથના નેતાઓની બાદબાકીથી વિવાદ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમમાં મહામંત્રી પદ રાજકોટને મળશે તેવો માહોલ રાજ્યભરમાં હતો, પરંતુ શનિવારે મોડીસાંજે પ્રદેશ ભાજપની નવી ટીમ જાહેર થઇ તેમાં રાજકોટનું પત્તું કાપી નખાયું છે. મંત્રીમંડળમાં પણ અનેક ધારાસભ્યો દાવા કરી રહ્યા હતા અને સંગઠનમાં પણ કેટલાક નામો આગળ દોડી રહ્યા હતા, પરંતુ યાદી જાહેર થઇ ત્યારે આગળ દોડતાં ઘોડા ચિત્રમાં ક્યાંય નહીં દેખાતા શહેર ભાજપમાં સોપો પડી ગયો હતો.
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત બાદ આજે 29 ડિસેમ્બર સોમવારના રોજ પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારો ગાંધીનગર કમલમ ખાતે પોતાનો હોદ્દો સંભાળી લીધો છે. મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારો સવારથી જ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં તમામ હોદ્દેદારોની બેઠક યોજાઈ છે. જેમાં સંગઠનને લઈને ચર્ચા કરી હતી. ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ નવા હોદ્દેદારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. જે જિલ્લા અને શહેરમાંથી હોદ્દેદારો આવી રહ્યા છે તેમની સાથે પરિચય કરવામાં આવી રહ્યો છે અને જે બાદ તમામ હોદ્દેદારો રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં જૂના હોદ્દેદારોને પણ સાથે રાખવામાં આવ્યા હતા. નવા સંગઠનના માળખાની રચના અને કામગીરીને લઈને આગામી દિવસોમાં ચર્ચા કરાશે.ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે જણાવ્યું હતું કે, બેઠકમાં તમામ હોદ્દેદારોનો પરિચય કરાવ્યો હતો. જવાબદાર હોદ્દેદાર તરીકે કેવી રીતે સંગઠન મજબૂત કરવું જોઈએ. ગુજરાત સરકારે જે વિકાસ પ્રજાને આપ્યો છે જે લોકો સુધી પહોંચાડવુ જોઈએ જેમાં તમારી કામગીરી શું છે. તેનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પાર્ટીને મજબૂત કરવા માટે અને સરકારને કેવી રીતે મદદ કરી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભાજપ દરેક કાર્યક્રમમાં માટે તૈયાર હોય છે. વિવિધ મોરચાની જવાબદારી અપાઈ છે જેમાં જુના અને નવા હોદ્દેદારોની વચ્ચે સંકલન કરી કામગીરી થશે.
- Advertisement -
ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનો ઉલાળિયો : સાંસદ-ધારાસભ્યોને પ્રદેશ માળખામાં સ્થાન
ભાજપના વર્ષો જૂના અને આદર્શ મનાતા ‘એક વ્યક્તિ, એક હોદ્દો’ના નિયમનો આ વખતે સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. સત્તા અને સંગઠન વચ્ચે સંતુલન જાળવવાને બદલે અનેક વર્તમાન સાંસદો અને ધારાસભ્યોને પ્રદેશ માળખામાં મહત્ત્વના હોદ્દા ફાળવી દેવામાં આવ્યા છે. પ્રદેશ માળખામાં સ્થાન મેળવવા માટે અનેક સિનિયર નેતાઓ અને દાવેદારોએ છેક દિલ્હી સુધી લોબિંગ કર્યું હતું. એવી ચર્ચાઓ હતી કે પક્ષના ધૂરંધર ગણાતા નેતાઓનો આ ટીમમાં સમાવેશ થશે, પરંતુ જગદીશ પંચાલની નવી યાદીએ તમામ રાજકીય સમીકરણો અને ગણતરીઓને ઊંધી પાડી દીધી છે. જે નામોની જોરશોરથી ચર્ચા હતી, તે પૈકીના મોટાભાગના ચહેરાઓની બાદબાકી કરી દેવામાં આવી છે. ભાજપ હંમેશા એ વાતનો દાવો કરે છે કે જે વ્યક્તિ સરકારમાં હોદ્દો ધરાવતી હોય તેણે સંગઠનથી દૂર રહેવું જોઈએ જેથી કામનું ભારણ વહેંચાય. પરંતુ આ નવી ટીમમાં અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રદેશ સંગઠનમાં જવાબદારી સોંપવામાં આવી છે. કાર્યકરોમાં એવી ચર્ચા છે કે જો તમામ હોદ્દા સાંસદ-ધારાસભ્યોને જ આપી દેવામાં આવશે, તો પક્ષ માટે રાત-દિવસ મહેનત કરનાર સામાન્ય કાર્યકરને ક્યારે તક મળશે? હવે આ નેતાઓએ એક તરફ પ્રજાલક્ષી કામો કરવાના રહેશે અને બીજી તરફ સંગઠનને મજબૂત કરવાની જવાબદારી નિભાવવી પડશે.
ડૉ. બોઘરા, મીરાણી અને અરવિંદ રૈયાણીની બાદબાકી કરી નખાઇ
પ્રદેશ ભાજપના નવા સંગઠનમાં મહામંત્રી પદ માટે રાજકોટ શહેરમાંથી ડો.ભરત બોઘરાનું નામ સૌથી આગળ ચાલતું હતું. પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર.પાટીલ હતા ત્યારે તેમની ટીમમાં બોઘરા ઉપપ્રમુખ હતા અને તેમનો દબદબો હતો. નવા સંગઠનમાં બોઘરાના અનુભવનો ઉપયોગ થશે તેવું નિશ્ચિત મનાતું હતું, પરંતુ તેમને નવી ટીમમાં સમાવવામાં આવ્યા નથી. શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીએ પણ મહામંત્રી પદ માટે પોતાનો ઘોડો દોડાવ્યો હતો, પરંતુ તે ઘોડો નિશ્ચિત સ્થાન સુધી પહોંચી શક્યો નથી. પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી કેટલાક મહિનાથી ફરી સક્રિય બન્યા હતા અને પ્રદેશની ટીમમાં કોઇ હોદ્દો લઇ આવશે તેવું તેમના ટેકેદારો કહી રહ્યા હતા, પરંતુ રૈયાણીને પણ સમાવવામાં આવ્યા નથી.
કોરાટને મહામંત્રી બનાવી રાદડિયાને ઝટકો અપાયો
નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા નિશ્ચિત છે. તેમને કેબિનેટ મંત્રી બનાવાશે તેમનો કોઇ વિકલ્પ નથી, તેમની કોઇ સ્પર્ધા નથી આવી અનેક વાતો રાજકીય પંડિતો અને રાદડિયાના ટેકેદારો કહી રહ્યા હતા. મંત્રીમંડળના શપથ વખતે સ્ટેજની સામે બેઠેલા રાદડિયાએ પરાણે ચહેરો હસ્તો રાખીને પાર્ટીનો આદેશ શિરોમાન્ય હોવાની વાત મીડિયા સમક્ષ કરી હતી. મંત્રીપદ નહીં મળતાં પ્રદેશ ભાજપના મહામંત્રી બનાવી પાર્ટી તેમની તાકાતનો ઉપયોગ કરશે તેવી વાતો બાદમાં શરૂ થઇ હતી. જયેશ રાદડિયાને તો પાર્ટીએ કોઇ હોદ્દો ન આપ્યો, પરંતુ તેના કટ્ટર રાજકીય હરીફ મનાતા જેતપુરના પ્રશાંત કોરાટને મહામંત્રી બનાવી ભાજપે જયેશ રાદડિયાને મોટો ઝટકો આપ્યાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. અને આ ઝટકાની અસર આગામી મહિનાઓમાં દેખાશે તેવો ગણગણાટ પણ શરૂ થઇ ગયો હતો.



