ભારતમાં સામાન્યજનની તથા પર્યાવરણવાદીઓની મોટી જીત
100 મીટરની ઊંચાઈવાળી વિવાદાસ્પદ વ્યાખ્યા હાલ રદ્દ : ખાણકામની મંજૂરી પર લગામ
- Advertisement -
પોતાના જ 20 નવેમ્બરના આદેશ પર લગાવી રોક; CJI સૂર્યકાંતે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે માંગ્યો જવાબ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક લેતા પોતાના જ 20 નવેમ્બરના આદેશ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કેન્દ્ર અને સંબંધિત રાજ્યોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આગામી આદેશ સુધી વિશેષજ્ઞ સમિતિની કોઈ પણ ભલામણ લાગુ કરવામાં આવશે નહીં. આ નિર્ણયથી ’અરવલ્લી બચાવો’ આંદોલન કરી રહેલા પર્યાવરણપ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.
- Advertisement -
શું હતો વિવાદ?
કેન્દ્રીય પર્યાવરણ વિભાગની સમિતિએ ભલામણ કરી હતી કે માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડોને જ અરવલ્લી ગિરિમાળા માનવામાં આવે. આ વ્યાખ્યાથી ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં વ્યાપક વિરોધ થયો હતો, કારણ કે તેનાથી મોટાભાગના પહાડો પર ખાણ માફિયાઓનો કબજો થવાની ભીતિ હતી. સુપ્રીમ કોર્ટે હવે સ્વીકાર્યું છે કે આ રિપોર્ટ અને કોર્ટની અગાઉની ટિપ્પણીઓનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે, જેથી હવે સ્વતંત્ર મૂલ્યાંકનની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે પૂછેલા પાયાના સવાલો
સુપ્રીમ કોર્ટે આ મામલે 5 ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જેમાં મુખ્યત્વે અરવલ્લીની વ્યાખ્યા મર્યાદિત કરવાથી પર્યાવરણને થતા નુકસાન અને ખાણકામની છૂટ આપવા જેવી બાબતો પર આકલન કરવા જણાવ્યું છે. કોર્ટે પૂછ્યું છે કે શું અરવલ્લીની મજબૂતી જાળવવા ફરીથી ઊંડા સર્વેક્ષણની જરૂર છે? આ કેસની વધુ સુનાવણી 21 જાન્યુઆરી 2026ના રોજ હાથ ધરવામાં આવશે.



