સારવાર નહીં, સહનશક્તિની કસોટી
ઘઙઉ વિભાગની 6માંથી માત્ર 3 જ લિફ્ટ ચાલું, અન્ય ત્રણ બપોર બાદ જ ચાલું કરાઇ છે!
- Advertisement -
લિફ્ટમાં અનેક સ્વિચ નીકળી ગઇ અને ખુલ્લા વાયરો દૃશ્યમાન થઇ રહ્યા છે જે જોખમી છે
લાઇસન્સ સહિતની માહિતી દર્શાવતા પત્રકની જગ્યાએ ખાનગી એમ્બ્યુલન્સના સ્ટિકર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલ સતત વિવાદોનું કેન્દ્ર બની રહી છે. ક્યારેક રાત્રી દરમિયાન ઉંઘતા તબીબો, તો ક્યારેક બંધ દવાબારીઓ અને બંધ હાલતમાં જ રહેલી એમ્બ્યુલન્સ તો હવે લિફ્ટની સુવિધામાં પણ તંત્રની બેદરકારી સામે આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગની લિફ્ટોમાં જોવા મળેલી અવ્યવસ્થાએ દર્દીઓમાં ભારે નારાજગી વ્યાપી છે. હાસ્પિટલના ઓપીડી વિભાગમાં કુલ 6 લિફ્ટ હોવા છતાં તેમાંથી 3 લિફ્ટ બંધ હાલતમાં છે, જ્યારે બાકી 3 લિફ્ટ પણ યોગ્ય સ્થિતિમાં નથી. લિફ્ટમાં સલામતી સાથે સંકળાયેલી જરૂરી માહિતી, ખાસ કરીને લાયસન્સ સહિતની વિગતો દર્શાવતું પત્રક પણ ઉપલબ્ધ નથી. પરંતુ તેની જગ્યાએ અનેક ખાનગી એમ્બ્યુલન્સના મોબાઇલ નંબરના સ્ટીકર લાગ્યા છે. આ ઉપરાંત લિફ્ટમાં મોટાભાગની સ્વીચો નીકળી ગઇ છે અને ભગવાનના ફોટાઓ લાગ્યા છે. દર્દીઓનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં લિફ્ટનું મેઈન્ટેનન્સ પણ નિયમિત થતું નથી. પરિણામે સારવાર માટે આવેલા દર્દીઓથી લઈને વૃદ્ધો, દિવ્યાંગો અને તાત્કાલિક સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલાક દર્દીઓએ જણાવ્યું કે બપોર બાદ જ બંધ લિફ્ટોને ચાલુ કરવામાં આવે છે, જેથી ઇમરજન્સીના સમયે તો લિફ્ટ બંધ રહી જવાથી દર્દીઓ અને તેમની સાથે આવેલા દિવ્યાંગ પરિવારજનોની પરેશાની વધુ વધી જાય છે. હોસ્પિટલ એટલે જીવનદાનનું મંદીર પરંતુ અહીં લિફ્ટ જેવી મહત્વપૂર્ણ સુવિધા પણ જીવનને જોખમમાં મૂકે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. સતત વિવાદો વચ્ચે તંત્ર દર્દીઓની પીડા ક્યારે સમજે અને જવાબદારી ક્યારે લે? તેવા સવાલો ફરીથી જનતા સામે ઊભા થયા છે.



