રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કરી શાળાઓને આપી સ્પષ્ટ સૂચના
હવે કોઈપણ શાળા ચોક્કસ સ્વેટર ફરજિયાત બનાવી શકશે નહીં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટમાં ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થઇ ગયા છે ત્યારે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે ગરમ કપડાં સંબંધિત નિયમો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં અનેક શાળાઓ દ્વારા તેમના નક્કી કરાયેલા ડ્રેસકોડ પ્રમાણે જ સ્વેટર પહેરવાની ફરજ પાડવામાં આવતી હોવાની વાલીઓ તરફથી ફરિયાદો મળી રહી હતી. આ બાબતને લઈને હવે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટતા કરતો મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં શાળાઓને કોઈપણ પ્રકારનું દબાણ ન કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, હાલ શિયાળાની ઋતુ શરૂ થઈ છે અને સાથે સાથે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તેને માન્ય રાખવા તેમજ કોઈ પણ શાળા વિદ્યાર્થીને ચોક્ક્સ પ્રકારના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં. આ તમામ સૂચનાઓનું પાલન કરી તેની અમલવારી કરવા રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને જણાવાયું છે. શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ સ્વેટર પહેરવા મજબૂર કરવું ગેરરીતિ સમાન છે. ઠંડીમાં વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને તેઓ પાસેથી મનપસંદ સ્વેટર, જેકેટ અથવા અન્ય ગરમ કપડાં પહેરવાનો અધિકાર છીનવી શકાય નહીં. જિલ્લા શિક્ષણાધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના વિસ્તારની શાળાઓમાં આ આદેશનું પાલન સુનિશ્ચિત કરે. આ નવા નિર્ણય બાદ હવે રાજ્યની તમામ શાળાઓમાં બાળકોને જે ગરમ કપડાં અનુકૂળ લાગે તે પહેરવાની સંપૂર્ણ મુક્તિ રહેશે. વાલીઓએ પણ આ પરિપત્ર બાદ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે છેલ્લા સમયગાળા દરમિયાન ડ્રેસકોડને લઈને વિવિધ શાળાઓમાં ઉદભવેલી તંગદિલી તથા દબાણની ફરિયાદો વધી રહી હતી. શિક્ષણ વિભાગના આ પગલાંને વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ ગણાવી શકાય.
જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટ સૂચના તો આપી દીધી પરંતુ દરેક સ્કૂલ આ નિયમનું પાલન કરે છે કે નહીં તે માટે સમયાતરે તપાસ કરવી જોઇએ અને જો કોઇ સ્કૂલ આ નિયમનું ઉલ્લઘન કરે તો દંડનીય કાર્યવાહી કરવી જરૂરી છે.



