વિશ્વ હિંદુ પરીષદ ધર્મ પ્રસાર દ્વારા 7 સપ્ટેમ્બરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન
ચમત્કારીક હનુમાન મંદીર ખાતે યોજાશે ભવ્ય સ્વાગત કાર્યક્રમ : શિવભક્ત યુવાનોને મોટી સંખ્યામા જોડાવા આહ્વાન
- Advertisement -
શ્રદ્ધા, સેવા, સંસ્કૃતિ અને સનાતન એકતાના પાવન સંદેશ સાથે રાજકોટ શહેરમાં 7 સપ્ટેમ્બર, 2026ના સોમવારે ‘સનાતન કાવડ યાત્રા–2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ભોળેનાથની અસીમ કૃપા પ્રાપ્ત
કરવા તથા સમાજમાં એકતા, સેવા અને સનાતન સંસ્કૃતિનો સંદેશ પ્રસરાવવાના હેતુથી યોજાનારી આ પાવન યાત્રામાં રાજકોટની ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં સહભાગી થવા આયોજકો કૌશીકભાઇ સરધારા, પુ.
હરીચેતનાનંદ સ્વામીજી, પ્રકાશભાઇ ભાલાળા, આશિષભાઇ વેકરીયા, સાગરભાઇ પોપટ, પરીમલભાઇ પંડ્યા, યુવરાજસિંહ જાડેજા, લલીતભાઇ વસાણી દ્વારા ભાવભર્યું આહ્વાન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસની પાવન પરંપરામાં
કાવડ યાત્રાનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. પવિત્ર જળ ધારણ કરી ભક્તિભાવપૂર્વક પગપાળા યાત્રા કરીને ભગવાન શિવને જળાભિષેક કરવાની આ પરંપરા તપ, કષ્ટસહન, શ્રદ્ધા અને સમર્પણની ભાવનાનું પ્રતીક
છે. કાવડ યાત્રા સાથે અનેક પૌરાણિક અને ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે.
આયોજકો દ્વારા રાજકોટની સમસ્ત ધર્મપ્રેમી જનતાને હૃદયપૂર્વક અપીલ કરવામાં આવી છે કે 7 સપ્ટેમ્બરના રોજ સહપરિવાર મોટી સંખ્યામાં કાવડ યાત્રામાં જોડાઈ ભગવાન ભોળેનાથ પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે અને
સનાતન સંસ્કૃતિના આ પાવન પર્વને ભવ્ય બનાવે. રાજકોટની ધરતી પર હજારો શિવભક્તો એકસાથે કાવડ ધારણ કરી ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે આગળ વધે અને સમગ્ર રાજકોટ શહેર ભક્તિમય વાતાવરણથી ગુંજી
ઊઠે—એવો દિવ્ય માહોલ સર્જવાનો સંકલ્પ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
ન્યારી ડેમથી રામનાથ મહાદેવ સુધી ભક્તિનો પ્રવાહ
7 સપ્ટેમ્બર, સોમવારના રોજ સવારે 7:00 કલાકે ક્યારલી ડેમ ખાતેથી કાવડ યાત્રાનો પ્રારંભ થશે. કાવડ ધારણ કરેલા શિવભક્તો ભક્તિભાવપૂર્વક રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ રામનાથ મહાદેવ મંદિર
ખાતે પહોંચશે, જ્યાં યાત્રાનું સમાપન થશે. યાત્રા ચમત્કારિક હનુમાન મંદિર, પુષ્પરધામ મંદિર, જે.કે. ચોક, આકાશવાણી ચોક, સાધુ વાસવાણી રોડ, આલાપ ગ્રીન સિટી, બાપાસીતારામ ચોક, રૈયા ચોકડી, બ્રહ્મ સમાજ ચોક,
કનૈયા ચોક, હનુમાન મઢી, આજીપાલી અંડરપાસ, કિશાનપરા ચોક, સી.પી. કચેરી ચોક, યાત્રિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગ, બાલાજી મંદિર, સ્વામિનારાયણ મંદિર–ભૂપેન્દ્ર રોડ, ખિજડાવાળા મામાસાહેબનું મંદિર, ગરુડ
ગરબી ચોક અને બડા બજરંગ ચોક થઈને રામનાથ મહાદેવ મંદિર સુધી પહોંચશે.
- Advertisement -
ચમત્કારિક હનુમાનજી મંદિર ખાતે ભવ્ય મુખ્ય કાર્યક્રમ
કાવડ યાત્રા દરમિયાન સવારે 9:00 કલાકે ચમત્કારિક હનુમાનજી મંદિર, A.G. ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે મુખ્ય સ્ટેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીઓ,
રાજકીય આગેવાનો, પૂજ્ય સંતો તથા ધાર્મિક ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિ રહેશે.
કાવડ યાત્રા એટલે આસ્થા, તપ અને સમર્પણનો પાવન સંગમ
કાવડ યાત્રા સનાતન પરંપરામાં ભગવાન શિવ પ્રત્યેની અડગ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. પવિત્ર જળ સાથેની આ યાત્રા ભક્તના અંતરમાં ભક્તિભાવને પ્રબળ બનાવવાની સાથે સમાજમાં ધાર્મિક અને
સાંસ્કૃતિક એકતાનો સંદેશ પણ પ્રસરાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કાવડ યાત્રા દ્વારા ભગવાન શિવને જળ અર્પણ કરવાથી ભક્તને ભોળેનાથની કૃપા પ્રાપ્ત થાય છે. પૌરાણિક પરંપરામાં ભગવાન પરશુરામ તથા રાવણ દ્વારા
ભગવાન શિવને પ્રસન્ન કરવા કાવડ યાત્રા કરવામાં આવી હોવાની માન્યતા છે. સમુદ્રમંથન સમયે પ્રગટ થયેલા હળાહળ વિષનું ભગવાન શિવે પાન કર્યા બાદ તેમના તાપને શાંત કરવા દેવતાઓ અને ભક્તોએ જળ અર્પણ કર્યું
હતું તેવી પણ ધાર્મિક માન્યતા પ્રચલિત છે.




