ફરાળી વાનગીઓના નામે ભેળસેળનો ખેલ! : લોકોની આસ્થા સાથે ચેડાં
44 પેઢીમાં ચેકિંગ, 52 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 3 એકમને નોટિસ, રૂ.3,500નો દંડ અને 17 નમૂના લેવાયા
- Advertisement -
રાજકોટમાં જન્માષ્ટમી સહિતના ધાર્મિક પર્વોને ધ્યાનમાં રાખીને ફરાળી ખાદ્યચીજોના વેચાણમાં વધારો થયો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ભેળસેળ અને અસ્વચ્છતા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના
વિવિધ વિસ્તારોમાં ફરાળી પેટીસ સહિતની ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતા એકમોમાં સર્વેલન્સ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન કુલ 44 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. મનપાના ફૂડ વિભાગની ટીમે
ખાસ કરીને ફરાળી વાનગીઓમાં ઉપયોગમાં લેવાતા સ્ટાર્ચ, ફરાળી લોટ તથા અન્ય રો-મટિરિયલ ખરેખર ફરાળી ધોરણને અનુરૂપ છે કે નહીં તેની ચકાસણી કરી હતી. સાથે જ ખાદ્યચીજોના સંગ્રહ, ઉત્પાદન અને વેચાણ
દરમિયાન સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી. જન્માષ્ટમી જેવા તહેવારો દરમિયાન ફરાળી ખાદ્યચીજોનું વેચાણ અને વપરાશ મોટા પ્રમાણમાં થતો હોય છે. આવી સ્થિતિમાં
ફરાળી ખાદ્યચીજોના નામે અયોગ્ય સ્ટાર્ચ અથવા ગુણવત્તાવિહોણા રો-મટિરિયલનો ઉપયોગ ન થાય તેમજ ગ્રાહકોને બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજો ન મળે તે માટે મનપાએ સર્વેલન્સ વધાર્યું છે.
ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગને વિવિધ એકમોમાંથી કુલ 52 કિલો જેટલો અખાદ્ય અને વાસી જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થામાં વાસી સબ્જી, બાંધેલો લોટ, પ્રિપેર્ડ ફૂડ, મકાઈનો લોટ, મકાઈ સ્ટાર્ચ અને બટેટાના સ્ટાર્ચવાળો
માવો સહિતની સામગ્રીનો સમાવેશ થતો હતો. નિયમ મુજબ આ તમામ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 3 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજિનિક કન્ડિશન અંગે નોટિસ આપવામાં આવી
હતી. કાર્યવાહી દરમિયાન કુલ રૂ.3,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (FSS) એક્ટ હેઠળ પણ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન કુલ 17 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા છે. તેમાં ફરાળી પેટીસ માટેનો લુઝ લોટ ઉપરાંત તીખા ગાંઠિયા, પાપડી, નાયલોન
સેવ, સેવ, શક્કરપારા, ગુલાબપુરી, મેથીવાળા ગાંઠિયા, સેવગુંદી, તીખી પાપડી, ભાવનગરી ગાંઠિયા અને ખારા સકરપારા જેવી ખાદ્યચીજોનો સમાવેશ થાય છે. આ નમૂનાઓને નિયમિત પ્રક્રિયા હેઠળ પરીક્ષણ માટે મોકલવામાં
આવશે અને તેના પરિણામોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
કૃષ્ણમ કાઠિયાવાડી, ઓર્બિટ રોડ, મુંજકા વિસ્તારમાં તપાસ દરમિયાન હાઈજિનિક કન્ડિશન તથા લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. અહીંથી વાસી સબ્જી, બાંધેલો લોટ તથા પ્રિપેર્ડ ફૂડ સહિત કુલ 20 કિલો જથ્થાનો
નાશ કરાયો હતો અને રૂ.1,000નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. જૈન સ્વીટ નમકીન એન્ડ સ્નેક્સ, માં કૃપા, સદગુરુ બંગ્લોઝ પાસે, 150 ફૂટ રિંગ રોડ ખાતે હાઈજિનિક કન્ડિશન અને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી
હતી. અહીંથી મકાઈવાળા લોટથી બનાવેલી પેટીસ, મકાઈ સ્ટાર્ચ તથા બટેટાના સ્ટાર્ચવાળો માવો મળી કુલ 32 કિલો જથ્થાનો નાશ કરાયો હતો. પેઢી પાસેથી રૂ.2,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. સાથે ફરાળી
પેટીસ માટેના લુઝ લોટનો નમૂનો લેવામાં આવ્યો હતો. શ્રી લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ, નાના મવા મેઈન રોડ ખાતે પણ હાઈજિનિક કન્ડિશન અને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. અહીંથી રૂ.500નો વહીવટી
ચાર્જ વસૂલાયો હતો અને તીખા ગાંઠિયાનો લુઝ નમૂનો લેવામાં આવ્યો હતો.
મનપાના ફૂડ વિભાગ દ્વારા માત્ર ફરાળી ખાદ્યચીજોના એકમો પૂરતી મર્યાદિત કાર્યવાહી નહીં પરંતુ વિવિધ વિસ્તારોમાં આવેલા ફરસાણ, ડેરી, પ્રોવિઝન સ્ટોર, રેસ્ટોરન્ટ અને અન્ય ખાદ્ય એકમોની પણ સ્થળ તપાસ કરવામાં આવી
હતી. ગુરુ પ્રસાદ ચોક અને અંકુર રોડ વિસ્તારમાં જલારામ શોપિંગ સેન્ટર, રાધે સોડા શોપ, પટેલ શોપિંગ સેન્ટર, ઉમિયાજી પ્રોવિઝન સ્ટોર, ક્રિષ્ના ડેરી ફાર્મ, શ્રીકૃષ્ણ ડેરી ફાર્મ, સહજાનંદ પ્રોવિઝન સ્ટોર, ઘનશ્યામ ફરસાણ,
એવન પાન, ધારા મેડિકલ સ્ટોર, મધુવન ટ્રેડિંગ, યોગેશ્વર ડેરી ફાર્મ, પટેલ પ્રોવિઝન સ્ટોર, ખોડિયાર ડેરી ફાર્મ અને સોમનાથ ફરસાણ સહિતના એકમોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વાતિ પાર્ક-રામેશ્વર પાર્ક,
કોઠારિયા રોડ, રૈયા રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, નાના મવા રોડ, સાધુ વાસવાણી રોડ, વિદ્યાનગર મેઈન રોડ અને યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં પણ ફૂડ વિભાગની ટીમોએ ચેકિંગ કર્યું હતું.
તપાસ દરમિયાન હર ભોલે ફરસાણમાંથી પાપડી, જલારામ ફરસાણમાંથી નાયલોન સેવ, શ્રી મુરલીધર ફરસાણમાંથી સેવ, પારસ ફરસાણમાંથી પાપડી અને શ્યામ સિંગ એન્ડ નમકીનમાંથી શક્કરપારાનો નમૂનો લેવામાં આવ્યો
હતો. જલારામ ફરસાણ માર્ટમાંથી તીખા ગાંઠિયા અને શ્રીનાથજી ફરસાણમાંથી ગુલાબપુરીનો નમૂનો લેવાયો હતો. શ્રી બહુચરાજી સ્વીટ નમકીનમાંથી મેથીવાળા ગાંઠિયા તથા સેવગુંદીના બે નમૂના લેવામાં આવ્યા હતા. ચામુંડા
ફરસાણ અને હરભોલે ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાંથી તીખા ગાંઠિયા તથા તીખી પાપડીના નમૂના લેવામાં આવ્યા હતા. જલિયાણ ફરસાણમાંથી ભાવનગરી ગાંઠિયા અને ખારા સકરપારાના બે નમૂના જ્યારે શ્રીરામ ફરસાણમાંથી
નાયલોન સેવ અને ચંપાકલી ગાંઠિયાના બે નમૂના લેવામાં આવ્યા હતા.




