સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉત્સાહભેર ઉજવણી
કબડ્ડી, કુસ્તી, બેડમિન્ટન, ટેબલ ટેનિસ સ્પર્ધામાં 300થી વધુ ખેલાડી જોડાયા
- Advertisement -
વિજેતાઓને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરાયા
હોકીના જાદુગર અને ભારતના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાતા રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિવિધ રમતોત્સવનું આયોજન કરવામાં
આવ્યું હતું. રમતગમત પ્રત્યે યુવાનોમાં જાગૃતિ વધે, શારીરિક તંદુરસ્તી જળવાય અને વિદ્યાર્થીઓમાં રમતગમતની ભાવના તથા શિસ્તનો વિકાસ થાય તેવા હેતુથી યોજાયેલા આ રમતોત્સવમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ
લીધો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ, શારીરિક શિક્ષણ ભવન તથા જે.જે. કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને જે.જે. કુંડલિયા કોમર્સ કોલેજ, રાજકોટના સંયુક્ત આયોજન હેઠળ કબડ્ડી, કુસ્તી, બેડમિન્ટન
અને ટેબલ ટેનિસની ભાઈઓ તથા બહેનોની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલી વિવિધ કોલેજો તેમજ શાળાઓના 300થી વધુ ખેલાડીઓએ ભાગ લઈને પોતાની રમત પ્રતિભાનું
પ્રદર્શન કર્યું હતું. રાષ્ટ્રીય રમત દિવસનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવવા ઉપરાંત શારીરિક તંદુરસ્તી, શિસ્ત, ટીમ સ્પિરિટ, સંઘભાવના અને રમતગમતના મૂલ્યોનો વિકાસ કરવાનો છે. આ ઉદ્દેશને
સાકાર કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ રમતોનું આયોજન કરીને ખેલાડીઓને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે યોગ્ય અને પ્રોત્સાહક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રજિસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજા તથા ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબા દ્વારા સમગ્ર આયોજનને બિરદાવવામાં આવ્યું હતું. કુલપતિએ સ્પર્ધામાં ભાગ
લેનારા તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી યુવાનોને વધુમાં વધુ રમતગમત સાથે જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ
સ્વસ્થ, શિસ્તબદ્ધ અને સક્રિય જીવન જીવવાની એક ઉત્તમ રીત છે. યુવાનો નિયમિત રીતે કોઈને કોઈ રમત સાથે જોડાય તો તેમનામાં શારીરિક ક્ષમતા સાથે આત્મવિશ્વાસ, શિસ્ત અને ટીમ ભાવનાનો પણ વિકાસ થાય છે. તેમણે
સૌને નિયમિત રમતગમતમાં ભાગ લેવા આહવાન કર્યું હતું. સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓ ઉપરાંત ભાગ લેનારા ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી
એનાયત કરવામાં આવી હતી, જ્યારે ખેલાડીઓને પ્રમાણપત્રો આપીને તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી. ખાસ કરીને PEFI (Physical Education Foundation of India) દ્વારા ખેલાડીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા, જેના કારણે ખેલાડીઓમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.
- Advertisement -
સમગ્ર રમતોત્સવના સફળ આયોજન અને સંચાલનમાં ડૉ. એચ. આર. ભાલીયા, ડૉ. ભાવેશ રાબા, ડૉ. ભાવિક કંટેસરિયા અને ડૉ. ચિંતન રાવલ સહિતના અધ્યાપકો અને આયોજકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. કબડ્ડી રમતના
શાળાના કોચ તેમજ એમ.પી.એડ. ભવનના તાલીમાર્થીઓએ પણ સ્પર્ધાઓના સુચારુ સંચાલન માટે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત વિવિધ કોલેજો અને શાળાઓના શારીરિક શિક્ષણના અધ્યાપકો, કોચ તથા રમતગમત સાથે
સંકળાયેલા કર્મચારીઓએ પણ આયોજનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ખેલાડીઓની ભાગીદારી, આયોજકોની મહેનત અને રમતગમત પ્રત્યેના ઉત્સાહને કારણે સમગ્ર રમતોત્સવમાં ઉર્જાસભર
વાતાવરણ જોવા મળ્યું હતું.
મેજર ધ્યાનચંદજીના રમતપ્રેમ, શિસ્ત, સમર્પણ અને દેશભક્તિની પ્રેરણાને યાદ કરતાં યોજાયેલી આ ઉજવણી માત્ર રમતોત્સવ પૂરતી સીમિત ન રહી, પરંતુ યુવાનોને રમતગમતના મહત્વનો સંદેશ આપનારી બની રહી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ “દરેક યુવાન રમે અને સ્વસ્થ રહે”ના સંદેશ સાથે રમતગમતને શિક્ષણનો અભિન્ન ભાગ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓએ
વિદ્યાર્થીઓ અને ખેલાડીઓમાં નવી ઊર્જા, ઉત્સાહ અને રમતગમત પ્રત્યેનો લગાવ વધાર્યો હતો. મેજર ધ્યાનચંદજીના આદર્શોને કેન્દ્રમાં રાખીને આયોજિત આ રમતોત્સવ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યુવા પેઢીને રમત સાથે
જોડાવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સશક્ત સંદેશ આપ્યો હતો.




