‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી મંદિરનો સર્વાંગી વિકાસ; બીચ, ફૂડ કોર્ટ અને પાર્કિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉમેરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં આધ્યાત્મિક પ્રવાસનને નવી ઊંચાઈ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે યાત્રાધામોના વિકાસનું આયોજન હાથ ધરાયું છે. આ ક્રમમાં પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલા શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસે ગતિ પકડી છે. કુલ અંદાજે રૂ. 91 કરોડના માસ્ટર પ્લાન અંતર્ગત આ યાત્રાધામમાં બે તબક્કામાં વ્યાપક કામગીરી હાથ ધરાઈ છે. આ યોજના હેઠળ ગામની અંદર એક કિલોમીટરના અંતરે આવેલા તમામ પવિત્ર સ્થળોને એકસાથે જોડીને આધુનિક આધ્યાત્મિક પરિસર તરીકે વિકસાવવાની યોજના છે. પ્રથમ તબક્કામાં રૂક્ષ્મણી માતા મંદિર, ચોરી માયરાની જગ્યા, બીચ અને બ્રહ્મકુંડનો વિકાસ કાર્ય પૂર્ણ થયું છે, જેનાથી મેળા ગ્રાઉન્ડ સહિતના સ્થળોને નવું સ્વરૂપ મળ્યું છે. બીજા તબક્કામાં યાત્રાળુઓની સુવિધા માટે પાર્કિંગ પરિસર, રસ્તાઓનું વિસ્તરણ, બીચ વિકાસ સાથે ફૂડ કોર્ટ, કિઓસ્ક અને શૌચાલયો જેવી નવીન સુવિધાઓ ઉમેરવામાં આવશે. ફાઉન્ટેન, સેલ્ફી પોઇન્ટ અને સ્કલ્પચર જેવા આકર્ષણો પણ વિકસાવવામાં આવશે. આ વિકાસથી સ્થાનિક વેપારીઓને રોજગારની તકો મળશે અને માધવપુરની ઓળખ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશામાં મજબૂતપણે ચમકશે.



