ફાસ્ટ ટ્રેક પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચરનારને કસૂરવાન ઠેરવ્યો: પીડિતાને રૂપિયા 4.35 લાખનું વળતર ચૂકવવા આદેશ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13
- Advertisement -
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાનું અપહરણ કરીને વારંવાર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આજે સ્પેશ્યલ પોક્સો અને ફાસ્ટ ટ્રેક કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. મૂળ મધ્યપ્રદેશના વતની આરોપી મિથુન ઉર્ફે મિતનીયો જામસિંગ છગન ચૌહાણને કોર્ટે કસૂરવાન ઠેરવીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને 35 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસ 13-02-2023 ના રોજ નોંધાયો હતો, જેમાં આરોપી સગીરાને લલચાવીને ભગાડી ગયો હતો અને અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યું હતું. મોરબીના વિશેષ ન્યાયાધીશ (પોક્સો કેસ) અને અધિક સેશન્સ જજ કમલ રસિકલાલ પંડ્યાની કોર્ટમાં સરકારી વકીલ એન ડી કારિયાએ ધારદાર દલીલો રજૂ કરી હતી. કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 376(3) અને પોક્સો એક્ટની કલમ 5(એલ), 6 મુજબના ગુનામાં 20 વર્ષની સજા જાહેર કરી છે. આ ઉપરાંત, કોર્ટે ભોગ બનનાર સગીરાને આરોપી દ્વારા ભરાયેલા દંડની રકમ સહિત ગુજરાતની વળતર યોજના હેઠળ કુલ ₹4,35,000નું વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીને હુકમ કર્યો છે.



