આવાસ આપો અથવા ઝૂંપડા બાંધવાની મંજૂરી આપોઃ અસરગ્રસ્તની માગ
વિપક્ષે લગાવ્યા ભ્રષ્ટાચારનાં આરોપ, ડ્રો માટેની કામગીરી મનપાને બદલે અન્ય સરકારી સંસ્થાને સોંપવા માંગ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં યોજાયેલા આવાસ યોજનાનો ડ્રો રદ્દ કરવામાં આવ્યો હતો. મેયર દ્વારા લેવાયેલા આ નિર્ણયને લઈને અસરગ્રસ્તો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે રજાક કુરેશી નામના અસરગ્રસ્તે ત્યાં સુધી કહ્યું હતું કે, આવાસ આપો અથવા ઝૂંપડા બાંધવાની મંજૂરી આપો. જ્યારે પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ ડ્રોની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. અગાઉ ડ્રોની કામગીરી ગઈંઈ (નેશનલ ઇન્ફર્મેટિકસ સેન્ટર) ચલાવતી હતી. જેકે તેમણે અચાનક ના પાડયા બાદ હવે સમગ્ર પ્રક્રિયા મનપાનાં કોમ્પ્યુટર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ડ્રો માટેની કામગીરી મનપાને બદલે અન્ય સરકારી સંસ્થાને સોંપવામાં આવે તો આવા વિવાદો પણ થવાની શક્યતા ઘટે તેમ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૩ સપ્ટેમ્બરના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના હેઠળ ઘર વિહોણા અને અસરગ્રસ્ત લોકોને આવાસ ફાળવવા માટે ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રો અંતર્ગત ૮૦ ફૂટ રોડ પર આવેલી વીર તાત્યા ટોપે ટાઉનશીપ, સંતકબીર રોડ પર આવેલ ગોકુલનગર આવાસ તથા રવિશંકર આવાસ યોજનાના મકાનોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને જંગલેશ્વર મેગા ડીમોલેશનના અસરગ્રસ્તો, લલુંડી વોકળી, સાગરનગર અને બેટ દ્વારકા વિસ્તારના અસરગ્રસ્તોને આવાસ ફાળવવામાં આવ્યા હતા. જેમાં જંગલેશ્વર મેગા ડીમોલેશનના ૪૨ અસરગ્રસ્તોનો પણ સમાવેશ થતો હતો. પરંતુ હવે સમગ્ર ડ્રો રદ્દ થતા આ તમામ ૪૨ અસરગ્રસ્તો સહિત કુલ ૧૬૩ લાભાર્થીઓની આવાસ ફાળવણી રદ્દ થઈ ગઈ છે.
આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ અને ડ્રો રદ્દ કરવાનો નિર્ણય લેવાયા પછી સ્થાનિક વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ રાજકોટ મનપા દ્વારા આવાસ યોજનાના ડ્રોની તમામ જવાબદારી નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર (ગઈંઈ) જેવી નિષ્પક્ષ સરકારી સંસ્થા દ્વારા કરાવવામાં આવતી હતી. પરંતુ આ વખતે આ નીતિ બદલીને મનપાના પોતાના જ કોમ્પ્યુટર વિભાગને ડ્રો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, જેને કારણે પારદર્શિતા સામે સવાલો ઉભા થયા છે. લોકો અને વિપક્ષમાં હવે માંગ ઉઠી રહી છે કે મનપાના પોતાના વિભાગને બદલે અન્ય કોઈ નિષ્પક્ષ સરકારી સંસ્થા દ્વારા જ ડ્રોની કામગીરી કરાવવી જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગેરરીતિમાં મોટા નેતાઓનો હાથ છે. કયા નેતા કોને પ્રોટેક્ટ કરી રહ્યા છે અને કોની ભાગીદારી છે તે જાહેર થવું જોઈએ. જો ભાજપના નેતા કે કાર્યકર હોય તો પણ તેમની સામે સખત પગલાં લેવા જોઈએ. મારું માનવું છે કે આ જે કોઈ કોન્ટ્રાક્ટર હોય તેને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને ભવિષ્યમાં કોઈ કામ આપવું ન જોઈએ. રાજકોટમાં આ સિવાયના પણ તેના કામ ચાલુ હોય તો તે પણ રદ્દ કરીને તેને બ્લેકલિસ્ટ કરવો જોઈએ. જો તેના કોઈ બિલ બાકી હોય તો તે પણ અટકાવી દેવા જોઈએ. રાજકોટમાં રોજ નવો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આખી પ્રજા તે જોઈ રહી છે. મેં ગઈકાલે જ મેયરને પત્ર લખીને રજૂઆત કરી છે કે તમારી છાપ સારી છે, તેથી સમગ્ર મામલે તટસ્થ તપાસ કરાવો અને યોગ્ય જવાબ આપો.
- Advertisement -
ડ્રો રદ્દ થવાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા અસરગ્રસ્ત રજાક કુરેશીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ આપેલા આવાસના ડ્રો રદ્દ કર્યા તેનું ચોક્કસ કારણ હજુ સુધી અમને જણાવવામાં આવ્યું નથી. જ્યારે ડ્રો થયો સુન્ન ત્યારે તમામ લાભાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે ૪ થી ૫ દિવસ પછી આવીને હપ્તો ભરી દેવો અને ચાવી લઈ જવી. પરંતુ તે પછી મનપા દ્વારા હાથ ધરાયેલા રી-સર્વેમાં કેટલાક ઓપરેટરો અને મનપા કર્મચારીઓની મિલીભગતથી બોગસ અને ખોટા નામો તથા ક્વાર્ટર નીકળ્યા હતા. મનપા તંત્ર પોતાની આ ભૂલ અને વિવાદને દબાવવા માટે થઈને સાચા લાભાર્થીઓના ક્વાર્ટર પણ રદ્દ કરી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં અમે ભાડું ભરી શકવાની સ્થિતિમાં નથી અને મકાન વગરના થઈ ગયા રહેવા મજબૂર બન્યા છે. જે સાચા લાભાર્થીઓ છે તેમને તેમના આવાસ આપી દેવા જોઈએ. જો અધિકારીઓની ભૂલ કે તકલીફ હોય તો તેમની સામે એક્શન લો, ગરીબ અને નાના માણસોને શું કામ હેરાન કરવામાં આવે છે? આ ડ્રોમાં જંગલેશ્વર એકતા કોલોની, લલુંડી વોકળી, દ્વારકા અને ભારતનગરના અસરગ્રસ્તો સામેલ હતા. ત્યારે જેમને આવાસ ફાળવવામાં આવ્યા હતા તેમને પરત આપી દેવામાં આવે અથવા તો તેમની જૂની જગ્યાએ ઝૂંપડા બાંધવાની મંજૂરી આપવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે.




