ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાએ કરાવ્યો પ્રારંભ
રૂ. 28.82 કરોડના ખર્ચે 186 આંગણવાડીના લોકાર્પણ-ખાતમુહૂર્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ’સહી પોષણ, દેશ રોશન’ના સૂત્રને સાકાર કરવા અને વિકસિત ભારત 2047ના સ્વપ્નને સિદ્ધ કરવાના હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-2025″નો શુભારંભ કરવામાં આવ્યો છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાએ ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, પોષણ એ સ્વસ્થ શરીરથી સમૃદ્ધ સમાજના નિર્માણ માટે પ્રથમ પગથિયું છે. તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષના પોષણ ઉત્સવ 2024માં 3.52 લાખ લાભાર્થીઓ હતા, જેની સામે આ વર્ષે પોષણ ઉત્સવ 2025માં 5.2 લાખ લાભાર્થીઓ સહભાગી થયા છે, જે પોષણ પ્રત્યે લોકોનો વધેલો ઉત્સાહ દર્શાવે છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, આજે અંદાજિત કુલ રૂ. 28.82 કરોડના ખર્ચે 186 જેટલા આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.
આ વર્ષે 17 સપ્ટેમ્બરથી 16 ઑક્ટોબર સુધી ઉજવાતા પોષણ માસ અંતર્ગત સ્થૂળતા અંગે જાગૃતિ, પ્રારંભિક બાળ સંભાળ, પુરુષોની સહભાગિતા અને ‘વોકલ ફોર લોકલ’ જેવા વિષયો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
મંત્રીના હસ્તે વ્હાલી દીકરી યોજનાના પોર્ટલનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો. ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધાના વિજેતાઓ, ભૂલકા મેળો 2025ના વિજેતાઓ અને પોષણ સંગમ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા અને મહાનગરપાલિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે મિશન ડાયરેક્ટર જિજ્ઞાસા પંડ્યાએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના મહાનુભાવો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



