પીડીએમ કોલેજ પાસેના હોકર્સ ઝોન અને જાણીતી રેસ્ટોરન્ટ્સમાં તપાસ, 5 ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (ઋજઠ) વાન સાથે ટીમે પીડીએમ કોલેજ સામેના હોકર્સ ઝોનમાં કુલ 16 ધંધાર્થીઓની તપાસ કરી હતી. આ ચકાસણી દરમિયાન, પાંચ ધંધાર્થીઓને તાત્કાલિક ફૂડ લાઇસન્સ મેળવવા માટે સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
આ પાંચ ધંધાર્થીઓમાં જય બાલાજી દાળપકવાન, સાંઈ મદ્રાસ કાફે, સાંઈ દાળપકવાન, આશાપુરા દાળપકવાન અને 5 સ્ટાર ઘૂઘરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અન્ય 11 ધંધાર્થીઓ, જેમ કે જય માતાજી છોલે ભટુરે, મારુતિ ઘૂઘરા, બાલાજી મદ્રાસ કાફે, અંબિકા દાળપકવાન, અને ટેસ્ટ કિંગ દાળપકવાન સહિતના સ્થળોની પણ ચકાસણી કરવામાં આવી હતી.
ખોરાકની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ કુલ 06 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓમાં નાનામવા રોડ પરના મે. વ્રજ પાર્લર ખાતેથી ‘વેનુ’ બ્રાન્ડનું કાઉ દેશી બટર અને દેશી ગાયનું શુદ્ધ ઘી લેવામાં આવ્યું છે. ક્રિસ્ટલ મોલ સ્થિત બાર્બેક્યુ નેશનમાંથી ફ્રેશ હાઈ ફેટ પનીર અને બટર ચિકન મસાલા (લૂઝ)ના નમૂના લેવાયા છે. આ ઉપરાંત, ગોંડલ રોડ પર આવેલી ધ પાઈનાવિન્ટા હોટલમાંથી દાલ ફ્રાય સબ્જી અને મિક્સ વેજીટેબલ સબ્જી (લૂઝ)ના નમૂના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ફૂડ વિભાગની આ કાર્યવાહીથી શહેરના ખાદ્ય વિક્રેતાઓમાં ગુણવત્તા જાળવવા માટે જાગૃતિ આવે તેવી અપેક્ષા છે.



