ખાનગી કંપનીઓ દ્વારા રસ્તાઓનું ખોદકામ, ટ્રાફિક અને બુરાણની સમસ્યાથી લોકો પરેશાન: પાલિકા તંત્ર સામે સવાલો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
તહેવારોના દિવસોમાં હળવદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવતા બેફામ ખોદકામને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખોદકામ ટ્રાફિક જામની સમસ્યા ઊભી કરી રહ્યું છે એટલું જ નહીં, ખાડાઓનું યોગ્ય રીતે બુરાણ ન થતાં વાહનો ફસાઈ જવાની ઘટનાઓ પણ વારંવાર બની રહી છે.
- Advertisement -
તાજેતરમાં, વોડાફોન કંપની દ્વારા શહેરના મુખ્ય બજારમાં આવેલી શક્તિ ટોકીઝ સામે લાઈન નાખવા માટે ત્રણ ફૂટ ઊંડું ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, કોઈ અગમ્ય કારણોસર કંપનીએ આ કામગીરી અધૂરી છોડી દીધી અને ખોદેલી લાઈનને બરાબર બુર્યા વગર જ કામ બંધ કરી દીધું. આ ખોદકામ છેલ્લા ચાર-પાંચ દિવસથી ચાલુ હોવાથી સ્થાનિક દુકાનદારો અને શહેરીજનોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કંપની આ લાઈનને ફરીથી ખોદકામ કરશે. ત્યારે શું પાલિકા તંત્ર આ બેદરકારીને મૂંગા મોઢે જોતું રહેશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. શહેરીજનો અને દુકાનદારોની ઉગ્ર માગણી છે કે પાલિકા તંત્ર દ્વારા તહેવારોના સમયમાં આવા ખોદકામ તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવામાં આવે.



